સની-આયુષ્યમાનની ‘બોર્ડર-૨’ પ્રજાસત્તાક દિને રીલિઝ થશે
મુંબઈ, ‘ગદર ૨’ની સફળતા પછી હવે સન્ની દેઓલ શું કરશે તેની ઘણા સમયથી ચર્ચા અને અટકળો ચાલતી હતી. થોડા વખતથી એવી પણ ચર્ચાઓ ચાલતી હતી કે સની દેઓલ હવે ‘બોર્ડર’ની સીક્વલ લઇને આવશે.
૧૯૯૭ની સનીની એ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, અક્ષય ખન્ના તેમજ જેકી શ્રોફ જેવા જાણીતા કલાકારો હતા, જેની આજે પણ એક શ્રેષ્ઠ દેશભક્તિની ફિલ્મમાં ગણતરી થાય છે. ઘર ઘરમાં જાણીતી બનેલી આ ફિલ્મની સીક્વલની વાતથી તેનું ઓડિયન્સ અત્યારથી જ ઉત્સાહમાં છે.
કેટલાંક અહેવાલો મુજબ ‘બોર્ડર ૨’માં આયુષ્યમાન ખુરાના પણ હશે. હવે છેલ્લાં કેટલાંક અહેવાલો મુજબ આ ફિલ્મ ૨૦૨૬ના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રજૂ થવાની હોવાનું નક્કી થયું છે તેવી પણ ચર્ચા છે. પહેલી ફિલ્મ જે.પી.દત્તાએ બનાવી હતી, જ્યારે આ ફિલ્મ જે.પી.દત્તા ઉપરાંત નિધિ દત્તા અને ભૂષણ કુમાર સાથે મળીને પ્રોડ્યુસ કરશે, તેમજ અનુરાગ સિંઘ તેને ડિરેક્ટ કરશે.
આ ફિલ્મમાં સની દેઓલ ફરી મેજર કુલદીપ સિંઘ ચૌધરીનો જ રોલ કરશે. આયુષ્યમાન પણ ઇન્ડિયન આર્મીના અધિકારીની એક સારી ભૂમિકામાં જોવા મળશે.
આયુષ્માન માટે ફિલ્મમાં નવું કેરેક્ટર ઉમેરવામાં આવશે. જો ચર્ચાઓનું માનવામાં આવે તો આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસ પહેલાનાં શુક્રવારે એટલે કે ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેથી ફિલ્મને એક લાંબા વીકેન્ડની ઓડિયન્સનો પણ લાભ મળી રહે. હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલે છે, તેમજ આ એક બિગ બજેટ વાર ડ્રામા હોવાનું માનવામાં આવે છે.
તેના અન્ય કલાકારો વિશે પણ સમયાંતરે ખબર મળતી રહેશે. જો સની દેઓલની અન્ય ફિલ્મોની વાત કરવામાં આવે તો તે ‘બોર્ડર ૨’ ઉપરાંત રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ માટે કામ કરી રહ્યો છે, જે ફિલ્મ આમિર ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. તેમાં સની સાથે પ્રિતી ઝિંટા મુખ્ય ભૂમિકા કરી રહી છે.SS1MS