Western Times News

Gujarati News

“ભારત 24” દ્વારા આયોજિત ‘સુપર ઇન્ડિયન ગુજરાત’ કાર્યક્રમમાં અગ્રણીઓને એવોર્ડ એનાયત કરાયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય સમાચાર ચેનલ “ભારત 24” દ્વારા આયોજિત ‘સુપર ઇન્ડિયન ગુજરાત’ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકે જાણીતા બનેલા ગુજરાતમાં સોલાર, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી સહિતની અલાયદી પોલીસી છે.

આ ઉપરાંત દેશનો સૌથી પહેલો સેમિકંડક્ટર પ્લાન્ટ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ધોલેરામાં અન્ય બે પ્લાન્ટ બનાવવાની મંજૂરી પણ આપી છે. ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, શ્રી નરેન્દ્રભાઈનું સતત 20 વર્ષ સુધી નેતૃત્વ મળવું તે ગુજરાતનું સૌભાગ્ય છે. ગેસ, ઇલેક્ટ્રિસિટી અને વોટર ગ્રીડ ધરાવતું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે નર્મદાના પાણીમાં સુચારુ આયોજનથી કચ્છના છેવાડાના ગામડા સુધી પાણી પહોંચ્યું છે. આ ઉપરાંત જીએસટીનું વિક્રમી કલેક્શન ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ સૂચવે છે.

2047માં વિકસિત ભારતના નિર્માણના લક્ષ્યનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આઝાદીના શતાબ્દી પર્વે ગુજરાતના GSDPને 2.5 ટ્રિલિયન યુએસ ડોલર સુધી લઈ જવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. સાથોસાથ નેટ ઝીરો, મજબૂત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા બહુઆયામી સુધારા થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત મહત્ત્વની ભૂમિકા નિભાવશે, તેવો દ્રઢ નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.

‘સુપર ઇન્ડિયન – ગુજરાત’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ કેટેગરી અંતર્ગત અનેક અગ્રણીઓને એવોર્ડ એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં ભારત 24 ન્યૂઝ ચેનલના CEO અને એડિટર ઇન ચીફ જગદીશ ચંદ્રા અને ચેનલના ઉચ્ચ પદાધિકારીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.