Western Times News

Gujarati News

ખાડિયા અને અસારવામાં ટેન્કર મારફતે પાણી સપ્લાય થાય છેઃ રૂ.ર કરોડનો ખર્ચ થયો

પ્રતિકાત્મક

ટેન્કર મારફતે પાણી સપ્લાય કરવા પાછળ મધ્યઝોનમાં રૂ.ર કરોડનો ખર્ચ થયો-૩ લાખ મિલકતો સામે દોઢ લાખ નળ કનેકશન

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોને શુધ્ધ પીવા લાયક પાણી મળી રહે તે માટે ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રર૦ કરતા વધુ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એક વર્ષ અગાઉ ઘરે ઘરે પાણીના કનેકશન મળી રહે તે માટે નલ સે જલ યોજના પણ શરૂ કરવામાં આવી હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧પ૦૦ એમએલડી પાણીનો જથ્થો તેમજ ઘરે ઘરે નળ જોડાણ હોવાના દાવા થઈ રહયા છે પરંતુ તંત્રના આ દાવા કેટલાંક અંશે ખોટા સાબિત થઈ રહયા છે.

શહેરના મધ્યઝોન વિસ્તારમાં જ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં નાગરિકોને ટેન્કર મારફતે પાણી સપ્લાય કરવા માટે રૂ.ર કરોડ કરતા પણ વધુ રકમ ખર્ચ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઘરે ઘરે પાણીના જોડાણો આપી નર્મદાના શુધ્ધ પાણી સપ્લાય કરવામાં આવી રહયા છે તેવી જાહેરાતો અવારનવાર થતી રહે છે પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદમાં આજે પણ અનેક વિસ્તારોમાં નાગરિકો પાણી માટે વલખા મારી રહયા છે અને ટેન્કર આધારિત પાણી પર નિર્ભર છે.
મ્યુનિ. કોર્પોરેશનનું મુખ્ય કાર્યાલય કે જયાં શહેર કમિશ્નર, મેયર સહિતના મહાનુભાવોની ઓફિસ આવેલી છે

તેવા કોટ વિસ્તારમાં જ નાગરિકોને ટેન્કર દ્વારા પાણી આપવાની ફરજ પડી રહી છે. મધ્યઝોનમાં કુલ ૩૦૮૧૮૭ મિલકતો આવેલી છે જેમાં ૧૭૯૩૧૩ રહેણાંક અને રર૮૮૭૪ કોમર્શિયલ મિલકતો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૩ લાખ મિલકતોની સામે ૧પપ૮૧૭ મિલકતોમાં નળ જોડાણ આપવામાં આવ્યા છે. જેમાં નલ સે જલ યોજના અંતર્ગત માત્ર ૧૭૯ પાણીના જોડાણ જ આપવામાં આવ્યા હતાં જેમાં ખાડિયા વોર્ડમાં ૪પ, શાહીબાગ ૦૬, જમાલપુર ૧૦૪ દરિયાપુર ૧પ, શાહપુર ૧ર,

અસારવા ૦ જોડાણનો સમાવેશ થાય છે. મધ્યઝોનમાં દોઢ લાખ કરતા પણ વધુ પાણીના જોડાણ હોવા છતાં તંત્રને વારંવાર ટેન્કર મારફતે પાણી સપ્લાય કરવાની ફરજ પડી રહી છે અને જેના પેટે દર વર્ષે લાખો રૂપિયા ખર્ચ થઈ રહયા છે. ર૦૧૮-૧૯થી ર૦રર-ર૩ સુધીના સમયગાળામાં મધ્યઝોનમાં જ ટેન્કર મારફતે પાણી સપ્લાય કરવા પાછળ રૂ.ર,૦૮,પ૩,૭૦૦નો ખર્ચ થયો છે.

ચોંકાવનારી બાબત એ છે કે મધ્યઝોનમાં ૬ પૈકી એક પણ ઝોન એવો નથી કે જેમાં ટેન્કર દ્વારા પાણી સપ્લાય કરવામાં આવ્યુ ન હોય ખાસ કરીને ખાડિયા અને અસારવા વોર્ડમાં ટેન્કર મારફતે મોટાપાયે ટેન્કર દ્વારા પાણી સપ્લાય થઈ રહયા છે.જે બાબત વિકાસના દાવાને પોકળ સાબિત કરી રહયા હોવાનો માનવામાં આવી રહયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.