ગરીબ વિદ્યાર્થીને સુપ્રીમે મદદનું આશ્વાસન આપ્યું
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક ગરીબ દલિત યુવકને મદદ કરવાનો ભરોસો આપ્યો છે. આ ગરીબ યુવકે આઈઆઈટી-ધનબાદમાં આકરી મહેતન પછી મેળવેલી સીટ(એડમિશન) ગુમાવી દીધી હતી, કારણ કે તે અંતિમ પ્રયાસમાં આઈઆઈટીમાં પ્રવેશ માટેની પ્રતિષ્ઠિત પરીક્ષામાં ક્વોલિફાઈડ થયા પછી એડમિશન સ્વીકૃતિની ફી પેટેની રકમ નિયત સમયમર્યાદામાં રૂપિયા ૧૭૫૦૦ જમા કરાવી શક્યો ન હતો.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે મંગળવારે ૧૮ વર્ષીય અતુલ કુમારના વકીલને કહ્યું કે, અમે તમને શક્ય તમામ મદદ કરીશું. પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં તમે શું કરી રહ્યા હતા? કારણ કે ફી જમા કરાવવાની સમયમર્યાદા ૨૪ જૂને સમાપ્ત થઈ ગઈ હતી.
અતુલ કુમારના માતા-પિતા ૨૪ જૂન સુધી એડમિશન સ્વીકૃતિની ફી પેટે રૂપિયા ૧૭૫૦૦ જમા કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા, જે સીટ કન્ફર્મ કરાવવા માટે અપેક્ષિત રકમ જમા કરવાની છેલ્લી તારીખ હતી.
યુવકના માતા-પિતાએ પુત્રએ આકરી મહેતનથી મેળવેલા એડમિશનને જાળવી રાખવા માટે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, ઝારખંડ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને મદ્રાસ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. તેમના વકીલે સુપ્રીમ કોર્ટની બેન્ચને જણાવ્યું કે અતુલ કુમારે દ્વિતીય અને છેલ્લા પ્રયાસમાં જેઈઈ એડવાન્સની પરીક્ષા પાસ કરી હતી અને જો સુપ્રીમ કોર્ટ તેને કોઈ મદદ નહીં કરે તો તે બીજી વાર પરીક્ષા આપી શકશે નહીં.
ખૂબ જ સંક્ષિપ્ત દલીલો પછી સુપ્રીમ કોર્ટની બેન્ચે આઈઆઈટી મદ્રાસની જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી, આઈઆઈટી એડમિશનને નોટિસ આપી છે, જેણે આ વર્ષની પરીક્ષાનું આયોજન કર્યું હતું.
યુવકના પરિવારની આર્થિક સ્થિતિનો હવાલો આપીને વકીલે કહ્યું કે, વિદ્યાર્થીઓ માટે ૨૪ જૂનની સાંજે પાંચ કલાક સુધી રૂપિયા ૧૭૦૦૦ની વ્યવસ્થા કરવી ખૂબ મુશ્કેલ હતી, એ પણ આઈઆઈટી ધનબાદમાં સીટ ફાળવણીના ફક્ત ચાર દિવસ પછી. કુમાર એક દૈનિક મજૂરનો પુત્ર છે અને ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના ટિટોરા ગામમાં રહેનાર ગરીબી રેખાથી નીચે(બીપીએલ) જીવનગુજારો કરનાર પરિવારમાંથી આવે છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે પણ તેની મદદ કરવાનો ઇનકાર કર્યાે હતો.
જેથી તેણે ઝારખંડના એક કેન્દ્રમાં જેઈઈની પરીક્ષા આપી હતી, એટલા માટે યુવકે ઝારખંડ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી સમક્ષ મદદ માંગી, અને આ ઓથોરિટીએ તેને મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરવાનું સૂચન કર્યું, કારણ કે આ વર્ષની પરીક્ષા આઈઆઈટી મદ્રાસ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. તો મદ્રાસ હાઇકોર્ટે તેને સુપ્રીમ કોર્ટનો દરવાજોમાં અરજી દાખલ કરવા કહી દીધું હતું.SS1MS