મસ્જિદના ડીમોલિશન બદલ યુપી સરકારને સુપ્રીમની કન્ટેમ્પ્ટ નોટિસ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારી તંત્ર સામે કન્ટેમ્પ્ટ (કોર્ટની અવમાનના) કાર્યવાહી શા માટે હાથ ન ધરવી તે માટે નોટિસ આપી છે.
સ્થાનિક તંત્ર દ્વારા કુશીનગર ખાતે મસ્જિદનો કેટલોક ભાગ તોડી નાખવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે કોર્ટના આગામી આદેશ સુધી મસ્જિદ ડીમોલિશનની કાર્યવાહી સ્થગિત કરવાના નિર્દેશ પણ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ૧૩ નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં મિલકતોના ડીમોલિશન માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં કાર્યવાહી હાથ ધરતા પહેલા અસરગ્રસ્ત પક્ષકારને ૧૫ દિવસ પહેલાં નોટિસ આપવા અને તેમની રજૂઆત સાંભળવા સ્થાનિક સત્તામંડળોને નિર્દેશ અપાયા હતા.
ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે તંત્ર દ્વારા કોર્ટની આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું હોવાનો દાવો અરજીમાં કરાયો છે.એડવોકેટ અબ્દુલ કાદિર અબ્બાસી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે, જેમાં ૯ ફેબ્›આરીના રોજ કુશીનગર ખાતે મદની મસ્જિદનું ડીમોલિશન કરવાની તંત્રની કાર્યવાહીને અન્યાયી ગણાવવામાં આવી છે.
અરજદાર મસ્જિદ તરફથી રજૂઆત કરાઈ હતી કે, મ્યુનિસિપલ સત્તામંડળની મંજૂરી સાથે ૧૯૯૯માં મસ્જિદ બનાવવામાં આવી હતી. આ મસ્જિદને તોડતા પહેલાં તંત્ર દ્વારા નોટિસ અપાઈ ન હતી. તંત્રનું આ વલણ કુદરતી ન્યાય અને મૂળભૂત અધિકારીના ભંગ સમાન હોવાનો દાવો કરાયો હતો. મસ્જિદના નિર્માણ માટે ૧૯૮૮થી ૨૦૧૩ દરમિયાન ચાર અલગ-અલગ તબક્કામાં જમીન ખરીદવામાં આવી હતી.
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં સ્થાનિક રાજકારણીએ આ મસ્જિદને સરકારી જમીન પર બનાવાઈ હોવાનો દાવો કરાયો હતો. મસ્જિદ સંકુલના પ્લાનને ૧૯૯૯માં હાતા પંચાયતે મંજૂરી આપી હતી.SS1MS