ગૌમાંસની હેરાફેરીના કેસમાં સર્વાેચ્ચ અદાલતે આસામ સરકારની ઝાટકણી કાઢી

ગૌમાંસ વેચ્યું હોવાની જાણકારી હોય તો જ આરોપી સામે આસામ પશુ સંરક્ષણ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે-આસામે ગૌમાંસની હેરાફેરી રોકવા સિવાય મહત્ત્વનાં કામ પણ કરવાં જોઈએઃ સુપ્રીમ
નવી દિલ્હી, ગોધનની કતલ અન ગૌમાંસની હેરાફેરી રોકવા માટે પ્રયાસ દરમિયાન થયેલી કાર્યવાહી બદલ સુપ્રીમ કોર્ટે આસામ સરકારની ઝાટકણી કાઢી છે. ગૌમાંસની હેરાફેરી રોકવા સિવાયના અન્ય મહત્ત્વના કામ આસામ સરકારે કરવા જોઈએ, તેવી ટિપ્પણી સુપ્રીમ કોર્ટે કરી હતી. ગૌમાંસની હેરાફેરીના આરોપીઓ પાછળ દોડવાના બદલે અન્ય મહત્ત્વના કામોને મહત્ત્વ આપવા આસામ સરકારને સલાહ અપાઈ હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ એસ ઓકા અને ઉજ્જલ ભુયનની બેન્ચ સમક્ષ ગૌમાંસની હેરાફેરીનો કેસ આવ્યો હતો. આસામ સરકાર તરફથી રજૂઆત થઈ હતી કે, માંસ લઈને જતાં વાહનને રોકવામાં આવ્યુ હતું અને આ અંગે ડ્રાઈવરની પૂછપરછ કરાઈ હતી. જો કે ટ્રકમાં શું છે, તે અંગે ડ્રાઈવર જવાબ આપી શક્યો ન હતો. ટ્રકમાંથી પકડાયેલા માંસને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે વિવિધ પ્રાણીઓના કાચા માંસનું પેકેજિંગ કરવામાં આવ્યું હોય તો આ માંસ કયા પશુનું છે તે નરી આંખે કહેવાનું અઘરું છે. અરજદાર તરફથી કોર્ટમાં રજૂઆત થઈ હતી કે, તેઓ વેરહાઉસ ધરાવે છે અને તેમણે કાચા માંસને માત્ર ટ્રાન્સપોર્ટ કર્યું હતું.
આસામ પશુ સંરક્ષણ એક્ટનો સંદર્ભ આપતાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, કોઈ વ્યક્તિએ ગૌમાંસ વેચ્યું હોવાની જાણકારી મળે તો જ આ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે. જેના જવાબમાં સરકારે દાવો કર્યાે હતો કે, આરોપી માંસના પેકેજિંગ ઉપરાંત વેચાણમાં પણ સંડોવાયેલા છે. આ કેસમાં વધુ સુનાવણીની જરૂર હોવાના તારણ સાથે સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી ૧૬ એપ્રિલે રાખી છે.