સુપ્રીમે NEET-PG પરીક્ષા સ્થગિત કરવાની માંગ ફગાવી
(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ૧૧ ઓગસ્ટે યોજાનારી નીટ પીજી પરીક્ષાને સ્થગિત કરવાની માંગને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું, લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની છે, છેલ્લી ક્ષણે આવો આદેશ ન આપી શકાય. અરજદારે કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્રો એવા શહેરોમાં છે જ્યાં પહોંચવું મુશ્કેલ છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રોની ફાળવણી ગેરરીતિઓને રોકવા માટે કરવામાં આવી હતી, પરંતુ સમયની મર્યાદાને કારણે ઉમેદવારો માટે ચોક્કસ શહેરોમાં મુસાફરીની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે નીટ પીજી પરીક્ષા અગાઉ ૨૩ જૂને યોજાવાની હતી. કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને સાવચેતીનાં પગલાં તરીકે તેને મુલતવી રાખવામાં આવી હતી.
સીજેઆઈ ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે તેઓ પાંચ વિદ્યાર્થીઓને કારણે ૨ લાખ વિદ્યાર્થીઓની કારકિર્દીને જોખમમાં નાખી શકે નહીં. આના પર અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું કે ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ તેમને આ અંગે મેસેજ કર્યો છે. અરજદાર વતી સુપ્રીમ કોર્ટમાં અન્ય એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે, “આ પરીક્ષા બે બેચમાં લેવાશે અને ઉમેદવારોને નોર્મલાઇઝેશન ફોર્મ્યુલા ખબર નથી, જે મનમાનીની આશંકાઓને જન્મ આપે છે.” અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટે દલીલ કરી હતી કે પારદર્શિતાનો અભાવ અને દૂરના પરીક્ષા કેન્દ્રો દ્વારા ઊભા કરાયેલા પડકારો ઘણા વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડી શકે છે. અરજીકર્તાઓમાંના એક વિશાલ સોરેને સૂચન કર્યું હતું કે એક જ બેચમાં પરીક્ષા લેવાથી તમામ ઉમેદવારો માટે એકસમાન પરીક્ષાનું વાતાવરણ સુનિશ્ચિત થશે.