વિવાદિત ટિપ્પણી કરનાર અલ્હાબાદ હાઈકોર્ટના જજને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

રેપ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો અમાનવીય-હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાને સુપ્રીમ કોર્ટે અસંવેદનશીલ ગણાવી સ્ટે મૂક્યો
નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલતે અલાહાબાદ હાઈકોર્ટના વિવાદિત નિર્ણય પર મોટો ફેંસલો આપ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ફક્ત સ્તન પકડવા તે બળાત્કારનો અપરાધ ન ગણી શકાય. સુપ્રીમ કોર્ટે બુધવારે અલાહાબાદ હાઈકોર્ટના એ વિવાદિત આદેશ પર રોક લગાવી જેમાં કહેવાયું હતું કે એક સગીરાના સ્તનના પકડવા, તેના પાયજામાનું નાડું તોડવું એ બળાત્કારની પ્રયાસ ગણી શકાય નહીં.
ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને ન્યાયમૂર્તિ ઓગસ્ટીન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું કે તેમને એ કહેતા તકલીફ થઈ રહી છે કે હાઈકોર્ટના આદેશમાં કરાયેલી કેટલીક ટિપ્પણીઓ સંપૂર્ણ રીતે અસંવેદનશીલ અને અમાનવીય દ્રષ્ટિકોણવાળી છે. ચુકાદો લખનારા તરફથી સંવેદનશીલતાનો અભાવ જોવા મળ્યો. નિર્ણય તત્કાળ લેવાયો નહતો, પરંતુ ચુકાદો સુરક્ષિત રાખ્યાના ૪ મહિના બાદ સંભળાવવામાં આવ્યો.
એક રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જજ માટે કઠોર શબ્દોનો ઉપયોગ કરવા બદલ દિલગીર છીએ, પરંતુ આ ગંભીર બાબત છે અને જજે ક્ષણિક આવેગમાં આ આદેશ આપ્યો નથી. લાઈવ લોએ સુપ્રીમ કોર્ટની બેન્ચના હવાલે કહ્યું કે, પેરા ૨૪, ૨૫, ૨૬ માં કરાયેલી ટિપ્પણીઓ કાયદા મુજબ માન્ય નથી અને અસંવેદનશીલતા દર્શાવે છે, આથી અમે તેના પર રોક લગાવવાના પક્ષમાં છીએ. અમે કેન્દ્ર, ઉત્તર પ્રદેશને નોટિસ પાઠવીએ છીએ.
બેન્ચે અલાહાબાદ હાઈકોર્ટના ૧૭ માર્ચના આદેશ સંબંધિત મામલામાં નોંધ લેતા શરૂ કરાયેલી કાર્યવાહીમાં કેન્દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર અને અન્યને નોટિસ પાઠવી. હાઈ કોર્ટે ૧૭ માર્ચના રોજ પોતાના એક આદેશમાં કહ્યું હતું કે માત્ર સ્તન પકડવા અને પાયજામાના નાડાન કેંચવું બળાત્કારના અપરાધના દાયરામાં આવતું નથી
પરંતુ આ પ્રકારના અપરાધ કોઈ પણ મહિલા વિરુદ્ધ હુમલા કે અપરાધિક બળના ઉપયોગના દાયરામાં આવે છે. આ આદેશ ન્યાયામૂર્તિ રામ મનોહર નારાયણ મિશ્રાએ બે વ્યક્તિઓ દ્વારા દાખલ કરેલી એક અરજી પર આપ્યો હતો. આ આરોપીઓએ કાસગંજના વિશેષ ન્યાયાધીશ દ્વારા અપાયેલા એક આદેશને પડકારતા આ અરજી દાખલ કરી હતી.
ઉત્તર પ્રેદશના કાસંગજની એક મહિલાએ ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી કે તેઓ નવેમ્બર ૨૦૨૧ના રોજ તેમની ૧૪ વર્ષની દીકરી સાથે એક સંબંધીના ઘરેથી પાછા ફરી રહ્યા હતા ત્યારે ગામના પવન, આકાશ અને અશોક મળ્યા અને બાઈકથી ઘરે છોડવાની વાત કરી. મહિલાએ વિશ્વાસ કરીને દીકરીને જવા દીધી પરંતુ રસ્તામાં ત્રણેય જણે તેની સાથે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો. ગ્રામીણો પહોંચી જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.
અલ્હાબાદ હાઈકોર્ટે આ અંગેનો ચુકાદો આપ્યો ત્યારે જજે ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. જે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. જજની આ ટિપ્પણીઓના ઘેરા પ્રત્યાઘાત ન્યાયતંત્રમાં પડ્યા હતા. આખરે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદા સામે આજે સ્ટે મુકી દીધો છે. હવે આગળની કાર્યવાહી પર તમામની નજર છે.