Western Times News

Gujarati News

પેટાચૂંટણી અંગેના તેલંગણાના સીએમના નિવેદનની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી

નવી દિલ્હી, વિપક્ષ ભારત રાષ્ટ્રસમિતિ (બીઆરએસ) ધારાસભ્યો પક્ષપલટો કરે તો પણ પેટાચૂંટણી યોજવામાં આવશે નહીં તેવા તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીના નિવેદનની આકરી ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો વિધાનસભામાં આવું કહેવામાં આવ્યું હોય તો તે બંધારણના ૧૦માં શિડ્યુલ્ડની મજાક છે.

કોંગ્રેસમાં જોડાયેલા બીઆરએસના કેટલાંક ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેની એક અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી.બંધારણનું ૧૦મું શિડ્યુલ્ડ પક્ષપલટો કરતા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધિત છે.

સીએમ રેડ્ડીએ ૨૬ માર્ચે વિધાનસભામાં કથિત રીતે કહ્યું હતું કે બીઆરએસ સભ્યો પક્ષ બદલીને કોંગ્રેસમાં જોડાય તો પણ પેટાચૂંટણી નહીં થાય.કોંગ્રેસમાં જોડાયેલા કેટલાંક બીઆરએસ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ પર નિર્ણય લેવામાં સ્પીકરના વિલંબના મુદ્દાને ઉઠાવતી અરજીઓની સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી રહી છે.

બીઆરએસ નેતા પી કૌશિક રેડ્ડી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સી એ સુંદરમે સીએમ રેડ્ડીના કથિત નિવેદનનો ઉલ્લેખ કર્યાે હતો.સ્પીકર વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સમક્ષનો કેસ વિધાનસભાની કાર્યવાહી સંબંધિત નથી.

આ પછી જસ્ટિસ ગવઇએ જણાવ્યું હતું કે રામલીલા મેદાનમાં જે કહેવામાં આવ્યું તે ગૃહમાં બોલવામાં આવ્યું તેનાથી અલગ છે. એક રાજકીય નેતા વિધાનસભામાં કંઈક કહે છે, તેની એક પવિત્રતા હોય છે. ગૃહના ફ્લોર પર મંત્રીના નિવેદનનો ઉપયોગ કાયદાના અર્થઘટન માટે થઈ શકે છે તેવા ચુકાદા છે.

તેઓ સીએમ વતી હાજર રહ્યાં નથી તેવી રોહતગીએ દલીલ કરતાં જસ્ટિસ ગવઇએ જણાવ્યું હતું કે તમે એક કેસમાં મુખ્યમંત્રી વતી હાજર થયા રહ્યાં હતાં અને મુખ્યમંત્રીને ચેતવણી આપો કે તેઓ આ પ્રકારનું નિવેદન ન કરે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.