જ્ઞાનવાપીમાં પૂજાની મંજૂરીને હાઈકોર્ટમાં પડકારવા સુપ્રીમનો નિર્દેશ
નવી દિલ્હી, જ્ઞાનવાપી સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપતા વારાણસી કોર્ટના આદેશને પડકારતા મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હવે જ્ઞાનવાપી પરિસર કેસમાં મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂજાની મંજૂરી આપતા આદેશ વિરુદ્ધ જ્ઞાનવાપી મસ્જિદ સમિતિની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને હાઈકોર્ટમાં જવા માટે કહ્યું છે.
જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી જીત મળી હતી. ગઈકાલે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી હતી અને કોર્ટે પરિસરમાં હાજર ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો હતો. વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ૩૧ વર્ષ બાદ પૂજા થઈ રહી છે. હિંદુઓને જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળ્યો છે.
કોર્ટના આદેશ મુજબ મોડી રાત્રે વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ, વારાણસી પોલીસ કમિશનર, ડીસીપી અને અન્ય પોલીસ અધિકારીઓની ટીમ જ્ઞાનવાપી સંકુલના ભોંયરામાં પહોંચી હતી. લગભગ ૧૧ઃ૦૦ વાગ્યે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અર્ચકો દ્વારા ભગવાન ગણેશ અને લક્ષ્મીની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવી હતી અને આરતી ઉતારવામાં આવી હતી.
વારાણસીના જ્ઞાનવાપી પરિસરની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે જ્ઞાનવાપી મામલે કહ્યું કે, ‘બધી ભગવાનની મરજી’ છે. SS2SS