દર્દીઓને લૂંટતી ખાનગી હોસ્પિટલો સામે તત્કાળ પગલાં લેવા સુપ્રીમનો નિર્દેશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Supreme-Court-order.jpg)
નવી દિલ્હી, છેલ્લા ઘણા વર્ષોમાં ખાનગી હોસ્પિટલો ઉઘાડી લૂંટ કરતી હોય તેમ મન ફાવે એ રીતે દર્દીઓ પાસેથી આડેધડ રૂપિયા વસૂલી રહી છે જેના કારણે લોકો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે ત્યારે આ સંદર્ભે સુપ્રીમ કોર્ટ લાલ આંખ કરતા સરકારને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે.
નોંધનીય છે કે નિયમો હેઠળ, રાજ્યો સાથે કાઉન્સેલિંગ કર્યા પછી મેટ્રોપોલિટન શહેરો, શહેરો અને નગરોમાં રોગોની સારવાર અને ઉપચાર માટે માનક દરોની સૂચના જારી કરવી ફરજિયાત છે. એક સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર સરકારે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતં કે ‘સરકારે આ મુદ્દે રાજ્યોને ઘણી વખત પત્ર લખ્યો છે, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી.’
આ મામલે કોર્ટે કહ્યું કે ‘નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય સંભાળવાનો મૂળભૂત અધિકાર છે અને કેન્દ્ર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં.’ આ ઉપરાંત કોર્ટે કેન્દ્રીય આરોગ્ય સચિવને રાજ્યના આરોગ્ય સચિવો સાથે એક મહિનાની અંદર બેઠક કરીને માનક દરોની સૂચના જારી કરવા માટે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપતા કહ્યું હતું કે, ‘જો કેન્દ્ર સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જશે
તો અમે સમગ્ર દેશમાં દર્દીઓની સારવાર માટે સીજીએસએચ- નિયત સરકારી દરો લાદવાની અરજદારની અરજી પર વિચાર કરીશું.’ ઉલ્લેખનીય છે કે દરેક નાગરિક માટે આરોગ્યની સંભાળ એ સૌથી મહત્વપૂર્ણ પાસું છે પરંતુ ખાનગી હોસ્પિટલો મનસ્વી રીતે ફી વસૂલી રહી છે, જેના કારણે દર્દીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
એક ‘વેટરન્સ ફોરમ ફોર ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક લાઈફ’ નામની એનજીઓએ વકીલ દાનિશ ઝુબેર ખાન દ્વારા પીઆઈએલ દાખલ કરી છે. જેમાં, કેન્દ્રને ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ નિયમ, ૨૦૧૨’ના નિયમ ૯ મુજબ દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીનો દર નક્કી કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.