કાપડ માર્કેટના પાંચમા માળેથી પાંચ યુવકો પાલખ છોડતી વખતે નીચે પટકાયા, બેનાં મોત
સારોલી પાસે માર્કેટના એલિવેશનનું કામ પૂરું થતાં પાલખ છોડતી વખતે કરૂણ ઘટના બની
સુરત, સુરત શહેરમાં વધુ એક કરૂણ ઘટના બની છે. ગુરુવારે સવારે સરોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલ પાસેથી આરકેટી માર્કેટમાં પાલખ છોડતી વખતે પાંચ કામદારો પાંચમા માળેથી નીચે પટકાયા હતા. બે યુવા કામદારોના ગંભીર ઈજાને કારણે મોત થયા હતા. અન્ય ત્રણ યુવકોને ઈજા થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના સમયે અન્ય બે કામદારોએ વાંસ પકડી લેતા આબાદ બચાવ થયો હતો.
સ્મીમેર હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલ પાસે રાધાકૃષ્ણ માર્કેટ (આર.કે.ટી) આવેલી છે. આ માર્કેટમાં કોન્ટ્રાકટ હેઠળ એલીવેશનનું કામ આપવામાં આવ્યું હતું. માર્કેટમાં પાલખ બાંધી એલિવેશનનું કામ કરવામાં આવતું હતું. કામ પુરું થતા ગુરુવારે સવારે પાંચ શ્રમજીવી યુવકો પાલખ છોડવાનું કામ કરતા હતા ત્યારે આ કમકમાટીભરી ઘટના બની હતી.
આ ઘટનામાં પાલખ છોડતી વખતે પાંચેય યુવકો પાંચમા માળેથી નીચે પટકાયા હતા જેમાં બે યુવકોએ નીચે પટકતી વખતે બાબુ પકડી લેતા આબાદ બચાવ થયો હતો. ૪પ વર્ષીય સંતોષ આદિનાથ વૈધ અને ૩૩ વર્ષીય મિન્ટુ મનાઈ પાસવાન તથા ર૪ વર્ષીય મિન્કુ દીનદયાળ પાસવાન (તમામ રહે. તડકેશ્વર સોસાયટી, આઝાદ નગર, ભટાર, સુરત)ને સારવાર માટે સહારા દરવાજા ખાતે આવેલી મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જયાં સંતોષ અને મિન્ટુનું મોત થયું હતું જયારે મિન્કુ પાસવાનને પગ, હાથ અને કમરના ભાગે ઈજા થતાં વધુ સારવાર માટે દાખલ કરાયો હતો. મૃતક સંતોષ બુલઢાણાનો વતની હતોતેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે મૃતક મિન્ટુ બિહારનો વતની છે અને તેને સંતાનમાં બે પુત્ર છે. ઘાયલ થયેલો મિન્કુ અપરણિત છે. સારોલી પોલીસને જાણ થતા એક ટીમ ઘટના સ્થળે પહોચી હતી અન્ય એક ટીમ સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી.
માર્કેટમાં કોન્ટ્રાકટ હેઠળ એલીવેશનનું કામ આપવામાં આવ્યું હતું. જોકે કોન્ટ્રાકટર દ્વારા સલામતી માટેના કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, કોઈ પણ સેફટી બેલ્ટ કે સેફટીના સાધનો આપવામાં આવ્યા ન હતા. પ્રાથમિક રીતે કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું વર્તુળોનું કહેવું છે, સરોલી પોલીસે પણ આ દિશામાં તપાસ શરૂ કરી છે.