Western Times News

Gujarati News

સુરતઃ દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈને ૨૦ વર્ષની સખત કેદ

સુરત, શહેરના ડભોલી વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની તરુણીનું લગ્નની લાલચ આપી કૌટુંબિક ભાઈએ વડોદરા અપહરણ કરી માથામાં સિંદૂર પૂરી દુષ્કર્મ કર્યું હતું.

આ કેસમાં કોર્ટે આરોપી છોટાઉદેપુરના કૌટુંબિક ભાઈને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે, મૂળ નર્મદાના તિલકવાડાના વતની અને હાલ સુરત શહેરના ડભોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧૫ વર્ષીય તરુણી વેડગામ ખાતે આવેલી ઓનલાઇન કંપનીમાં કુરિયર પેકિંગનું કામ કરતી હતી.

કિશોરી છોટાઉદેપુર સંખેડા તાલુકાના આનંદપુર ગામમાં રહેતા કુટુંબી ફોઈના ૧૯ વર્ષીય દીકરા સાથે ટેલીફોનિક સંપર્કમાં હતી. એક બીજા સાથએ વિડિયો ચેટ પણ કરતા હતા. સગીર હોવા છતાં કુટુંબી ભાઈએ તરુણીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. કુટુંબી ભાઈએ તરુણીને ભગાડી જવાનું કાવતરું રચ્યું હતું.

કાવતરા મુજબ તરુણી ૬-૧૨-૨૦૧૩ના રોજ કામ પર જવાનું કહી ઘરેથી નીકળી હતી અને કુટુંબી ભાઈ તેની સાથે તેને સુરત બસ સ્ટેશનથી વડોદરા ખાતે લઈ ગયો હતો. વડોદરાથી સાળંગપુરની બસમાં બેસી સાળંગપુર ગયો હતો અને રોહીશાળા ગામ ખાતે તરુણીને લઈને રહેતો હતો.

તેણી સગીર હોવા છતાં માથા પર સિંદૂર પૂરી પત્ની તરીકે સ્વીકારીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે પરિવારે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો અને તરુણીને તેના પરિવારને સોંપી દીધી હતી.

સિંગણપોર પોલીસે આરોપી સામે અપહરણ બળાત્કાર અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસની અંતિમ સુનાવણી સુરત સેશન્સ કોર્ટમાં ચાલી હતી. ફરિયાદ પક્ષે સરકારી વકીલ દીપેશ દવેએ દલીલો કરી હતી. કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.