Western Times News

Gujarati News

સુરત: મોડીરાતે રિંગરોડ ઉપર આવેલી સબજેલ પાસે જાહેરમાં યુવકની હત્યા

સુરત, બે મહિનાથી પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. છેલ્લા ૩૬ કલાકમાં હત્યાની ત્રીજી ઘટના નોંધાઈ હતી. વરાછા અને લિંબાયતમાં બે યુવકોની હત્યાની ઘટનાના ૧૨ કલાક બાદ સોમવારે મોડીરાતે રિંગરોડ ઉપર આવેલી જૂની સબજેલની નજીક જાહેર રોડ ઉપર એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.

એમડી ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલા યુવાનોએ મરનાર પોલીસનો બાતમીદાર હોવાની આશંકા રાખીને હત્યા કરી હતી. સુરતમાં રવિવારે રાત્રે લિંબાયતમાં બહેન સાથે પ્રેમસંબંધની શંકામાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી. સોમવારે વરાછાની માધવપાર્ક સોસાયટીમાં બહેનના પ્રેમીને ભાઈ, પિતરાઈ અને કાકાએ ઢોર માર મારી તેનો જીવ લઈ લીધો હતો.

આ ઘટનાઓની તપાસ હજુ ચાલી જ રહી હતી ત્યાં તો સોમવારે મોડીરાત્રે વધુ એક હત્યા નોંધાઈ હતી. ખટોદરા પોલીસ મથકની હદમાં જૂની સબજેલ નજીક જાહેર માર્ગ પર એક યુવકની કરપીણ હત્યા કરી દેવાઈ હતી. ત્રણ આરોપીઓએ ભેગા મળી ચપ્પુના ઘા મારી એક યુવકને જાહેરમાં રહેંસી નાંખ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માનદરવાજા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય હનિફ અમીર ખાનની હત્યા થઈ હતી. જૂની સબજેલ નજીક ત્રણ લોકોએ મળીને હનિફને જાહેરમાં જ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. હનિફની હત્યા કર્યા બાદ આરોપીઓ બાઈક પર ફરાર થઈ ગયા હતાં. મૃતકના ભાઈ શાહરૂખે કહ્યું કે, મારા ભાઈને તેના મિત્રો ઘરેથી લઈ ગયા હતાં.

સબજેલ પાસે લઈ ગયા હતા. ત્યાં જઈને તેના મિત્રોએ આરિફ નામના શખ્સને ફોન કરી બોલાવ્યો હતો. આરિફે હનિફ ઉપર પોલીસનો બાતમીદાર હોવાનો આક્ષેપ મુકી ખૂબ માર માર્યો હતો. આરિફ સાથે એઝાઝ અને અહેમદે માર માર્યો હતો.

આ ત્રણેય એમડી ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલા છે એઠલે તેમણે શાહરુખ ઉપર આરોપ મૂક્યો હતો કે, તુ પોલીસને બાતમી આપે છે. આ આશંકામાં હત્યા કર્યા બાદ ત્રણેય ભાગી ગયા હતા. ખટોદરા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.