Western Times News

Gujarati News

અમદાવાદના વેપારીઓ સાથે સુરતના વેપારીઓએ 2 કરોડનું ચિટીંગ કર્યુ

પ્રતિકાત્મક

૪૦ ટન પેરાસિટામોલ પાવડર ખરીદ્યો, ચેક બાઉન્સ થયા, રૂપિયા ન મળ્યા

અમદાવાદ, સુરતના અડાજણમાં ફાર્મા મટિરિયલ સપ્લાયર બે વેપારીએ અમદાવાદની એક કંપનીમાંથી રૂ.બે કરોડનો પેરાસિટામોલનો પાવડર મંગાવીને નાણાં ન ચૂકવીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે.

આરોપીઓએ માત્ર અમદાવાદ જ નહીં પણ ભારતના અન્ય શહેરોમાંથી ફાર્મા કંપનીમાં ઉપયોગી દવાના પાવડરનો જથ્થો મંગાવીને કરોડોની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે. અમદાવાદના નીતિન શાહને ઠગ વેપારીઓએ આપેલા બે કરોડના ચેક બાઉન્સ થયા હતા. ત્યારબાદ પણ તેઓ જુદા જુદા વાયદા કરતા હતા.

શીલજ કલ્હાર બંગ્લોઝમાં રહેતા નીતિનભાઈ શાહે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમની કંપની દ્વારા પેરાસિટામોલ પાવડરનું ઉત્પાદન કરીને અલગ અલગ કંપનીઓમાં સપ્લાય કરવામાં આવે છે. દોઢ વર્ષ પહેલાં તેમનો પરિચય વિકાસ શર્મા અને બબલુ પાઠક નામના વ્યક્તિ સાથે થયો હતો

જે સુરતના અડાજણમાં મધુવન સર્કલ નજીક વિવાન્તા આઈકોનમાં પ્રિઝમ અલાયન્સ નામની કંપની ધરાવતા હતા. તેમને મોટા પ્રમાણમાં પેરાસિટામોલ પાવડરની જરૂર હોવાનું કહી નીતિનભાઈને વિશ્વાસમાં લઈને અલગ અલગ સમયે રૂ.બે કરોડનો ૪૦ ટન પેરાસિટામોલ પાવડરનો જથ્થો મંગાવ્યો હતો તેના પૈસાની ચૂકવણી ૯૦ દિવસમાં કરવાની હતી.

આ માટે તેમણે ચેક આપ્યા હતા જે રિટર્ન થયા હતા. ત્યારબાદ પણ અલગ અલગ બહાના બતાવવામાં આવતા હોવાથી આ અંગે વિકાસ શર્મા અને બબલુ પાઠક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બન્ને આરોપીઓ આ મોડસ ઓપરેન્ડરીથી અમદાવાદ તેમજ દેશના અન્ય શહેરોમાં પણ કરોડોનો માલ મંગાવીને છેતરપિંડી આચરી હતી.

આ ગઠિયાએ દેશના અન્ય શહેરોના વેપારીઓને પણ લાખો રૂપિયાનો ચૂકો લગાવ્યો હોવાનું જાણી શકાયું છે. જો કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં સુરતના બે ઠગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા તેમનો ભોગ બનેલા અન્ય લોકો પણ હવે સામે આવે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એકાદ વર્ષથી દવાના રો-મટિરિયલ લઈને તેના રૂપિયા ન ચૂકવી ઠગાઈ કરવામાં આવતી હોવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.