રૂ.૪૧ કરોડની ઠગાઈ કરી દુબઈ ભાગી ગયેલા લેભાગુ કંપનીના માલિકની ધરપકડ
સુરતમાં વારાફરતી ત્રણ કંપની શરૂ કરી દર મહિને ચાર ટકા નફાની લાલચ આપી ૪પ૦૦ લોકોના બચતના નાણાં ખંખેર્યા હતા
સુરત, સુરતમાં વારાફરતી કંપની શરૂ કરી રોકાણની સામે દર મહિને ૪ટકા નફો આપવાના બહાને ૪પ૦૦ લોકો સાથે રૂ.૪૧ કરોડની ઠગાઈ કરનાર ટોળકીના મુખ્ય સુત્રધારને પકડી પાડયો છે. ચાર ઠગ પૈકી કોસંબા તરસાડીના વતની એવા કંપનીના સી.એમ.ડી.ની ઈકો સેલે ધરપકડ કરી છે.
કેતલ સોલંકી ગુનો નોંધાતા દુબઈ ચાલ્યો ગયો હતો, ત્યાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતો હતો. તેની સામે લુકઆઉટ નોટિસ ઈસ્યુ થઈ હતી. એટલે બિમાર માતાપિતાને મળવા તે વાયા નેપાળ થઈ કોસંબા તેના ઘરે આવતા પોલીસે તેને પકડી પાડયો હતો.
ઈકો સેલના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રીંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને બાદમાં વેસુ રાહુલરાજ મોલ પાસે યુનિયન હાઈટસમાં ત્રણ કંપની ઓવર ગ્રો ઈન્વેસ્ટર, એવર ગ્રો આઈએમ એલએલપી, એવર ગ્રો આઈએમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વારાફરતી શરૂ કરી હતી. રોકાણની સામે દર મહિને ૪ટકા નફો આપવાના બહાને ૪પ૦૦ લોકો સાથે રૂ.૪૧ કરોડની ઠગાઈ કરી હતી.
કેતન ધનજીભાઈ સોલંકી, હિરેન રવજીભાઈ જોગાણી તેમજ તેમના સાથીઓ દિપક ચંદ્રકાંત શાહ અને રીયાઝ પઠાણ વિરુદ્ધ સપ્ટેમ્બર ર૦રરમાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં મૂળ ગીર સોમનાથના ઉનાના અંજારના વતની અને સુરતમાં જહાંગીરપુરા સગુન રેસિડન્સી પ/બી માં રહેતા ર૯ વર્ષીય અંકિત બાલુભાઈ જણકાટે ફરિયાદ નોંધાવી હતી.
ભેજાબાજોએ ઝીંગા તળાવ, મહાનગરપાલિકામાં પાર્કીંગ કોન્ટ્રાકટ, ટુર્સ-ટ્રાવેલ્સ, સોલાર પ્લાન્ટ, રિસોર્ટ, સ્ટોક માર્કેટ, ફ્રૂટ-ફલાવર માર્કેટમાં રોકાણ કરી વળતર આપવાની વાત કરી હતી પણ ક્યાંય રોકાણ કર્યું નહોતું. સુરત પોલીસના ઈકો સેલે આ ગુનામાં મોહમંદ રીયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોકટર ઈબ્રાહિમખાન પઠાણની અગાઉ ધરપકડ કરી હતી.