સુરતમાં સિવિલમાં એમ્બ્યુલન્સ ચાલક ઉપર યુવકો ચપ્પા વડે તૂટી પડ્યા
સુરત, સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસને દિવસે વધતું જાય છે ત્યારે ચપ્પા કે ઘાતક હથિયાર વડે જાહેરમાં હુમલા થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ એમ્બ્યુલન્સ ચાલક ઉપર અસામાજિક તત્વોએ જાહેરમાં જ ઉપરી છાપરા છરીના ઘા માર્યા હતા. જેના પગલે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પ્રાથમિક તપાસ હાથધરી હતી. મહત્વપૂર્ણ છે કે, ઈજાગ્રસ્તની હાલત ગંભીર છે અને તેની પત્નીને નવ માસનો ગર્ભ છે.
મળતી માહિતી પ્રમાણે આ પહેલા પણ ૧૦ દિવસ પહેલા જ ગણેશ શિરસાદ નામના એમ્બ્યુલન્સ ચાલક ઉપર હુમલો કરીને હત્યા કરવાનો પ્રયત્ન કરાયો હતો. મૃતદેહ ટ્રાન્સપોર્ટેશન માટેની વર્દીને લઈ ચાલી રહેલા ઝઘડામાં હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. મોત સામે ઝઝૂમી રહેલા ગણેશને લઈ ખટોદરા પોલીસે ગુનો નોંધી હુમલાખોર જીતુ કહાર સહિત ૫ જણાને શોધી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઈજાગ્રસ્ત ગણેશના ભાઈ બબન શિરસાદે જણાવ્યું હતું કે, ડેથ બોડી લઈ જવાની વર્દીને લઈ ૧૦ દિવસ પહેલા જીતુ કહાર અને એના મિત્રોએ મારા ભાઈ ગણેશ પર સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમ બહાર જ લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો.
જાેકે એ સમયે એ લોકોની ભીડને લઈ હુમલાખોરો પોતાના બદઈરાદામાં સફળ થયા ન હતા. તેમ છતાં અમે સમાધાન કરી લીધું હતું.આજે ગણેશ એક શબ વાહીની કડોદરા રિપેરમાં આપી સિવિલ આવતાની સાથે જ તેની ઉપર લાકડાના ફટકા અને રેમ્બો ચપ્પુ જેવા સાધનો વડે જીતુ આણી મંડળી તૂટી પડી હતી.
પેટની બન્ને બાજુ અને પગમાં ઘા મારી માથામાં ફટકા મરાયા હતા. ત્યારબાદ હુમલાખોરો ભાગી ગયા હતા. લોહીના ખાબોચિયામાં પડેલા ગણેશને તાત્કાલિક સારવાર માટે ટ્રોમાં સેન્ટરમાં લઈ જવાતા ઓપરેશન થિયેટરમાં લેવાયો છે. હાલ ગંભીર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.
ગણેશના લગ્ન દોઢ-બે વર્ષ પહેલા જ થયા હતા. એની પત્નીને ૯ માસનો ગર્ભ છે. ઘરમાં એક મોટાભાઈ અને નાની બહેન તેમજ માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ, ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.HS