Western Times News

Gujarati News

દૈનિક 500 દર્દીની OPD સામે હવે સુરત સિવીલમાં સંખ્યા રોજની 800 દર્દી પર પહોંચી ગઈ

રોગચાળો વકરતાં સુરત સિવિલ દર્દીઓથી ભરાઈ, ખાટલા ખૂટયા

સુરત, સતત બદલાતી ઋતુના લીધે સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગે માથું ઉચકયું છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. હાલત એવી થઈ છે કે હોસ્પિટલમાં બેડ ઘટી પડયા છે અને દર્દીઓ માટે જમીન ઉપર પથારી પાથરવી પડી છે.

ગયા અઠવાડિયે સુરત શહેરમાં સતત ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદ વરસ્યો હતો. આ અઠવાડિયે અકળાવનારી ગરમી પડી રહી છે. અચાનક ઋતુમાં થતાં ફેરફારના લીધે શહેરમાં વિવિધ બીમારીઓએ માથું ઉંચકયું છે. ખાસ કરીને શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય બીમારીઓ વધી છે. ડેનગ્યુ, ચીકનગુનિયાથી પીડાતા દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. Surat civil opd increased to 800 per day

દર્દીઓનો ધસારો વધતા હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ છે. દર્દીઓને નીચે જમીન પર પથારી સુવડાવી સારવાર આપવાની નોબત આવી છે. તેના લીધે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલમાં દૈનિક પ૦૦થી ૬૦૦ના કેસ આવતા હોય છે પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી કેસ વધી ૭પ૦થી ૮૦૦ના આંકડા પર પહોંચ્યા છે.

ઓપીડીમાં આવતા દર્દીઓ પૈકી ૧૦૦થી વધુ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દામખલ કરવાની ફરજ પડી રહી છે. બાળકોની ઓપીડીની સંખ્યા પણ વધી છે. મોટાભાગના દર્દીઓ તાવથી પીડાઈ રહ્યા છે. દર્દીઓની સંખ્યા વધતા કીડની બિલ્ડીંગના પાંચમાં માળે વોર્ડની બહાર પેસેજમાં બેડ મૂકવા પડયા છે. આઠમાં માળે વોર્ડની અંદર ફલોર પર પથારી પાથરી દર્દીઓને સુવડાવી સારવાર આપવાની ફરજ પડી રહી છે.

નવી સિવિલના આરએમઓ ડૉ.કેતન નાયકે જણાવ્યું હતું કે, નવી કીડની બિલ્ડીંગના આઠમાં માળે શિફટ કરાયેલા ટીબીના વોર્ડમાં હાલ મેલ અને ફિમેલ દર્દીઓને સાથે સારવાર અપાઈ રહી છે. દર્દીઓનો ધસારો વધતા સાતેક દર્દીઓને નીચે જમીન પર પથારીમાં સુવડાવી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ દર્દીઓને બેડ મળી રહે તેવી સુવીધા ઉપલબ્ધ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.