Western Times News

Gujarati News

‘ધંધો કરવો હોય તો રૂ.૧૦ લાખ આપવા પડશે’, કોંગ્રેસ યુવા ઉપપ્રમુખ ખંડણી માંગતાં પકડાયો

પ્રતિકાત્મક

વેપારી પાસે રૂ.પ૦ હજાર લેવા પહોંચેલા કોંગ્રેસી નેતા અને સાથી રંગેહાથ ઝડપાયા

સુરત, શહેરનાં સલાબતપુરામાં આંજણા ફાર્મ પાસે ખુલ્લી જમીન પર પતરાંના શેડ બનાવીને ભાડે આપનાર વેપારી વિરુદ્ધ સુરત મહાપાલિકામાં અરજી કરીને ધંધો કરવો હોય તો ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગનાર કોંગ્રેસી નેતા સહિત બે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે વેપારી પાસે પ૦ હજાર રૂપિયા લેવા પહોંચેલા કોંગ્રેસી નેતા નુરૂ શકુરભાઈ શેખ અને ઉમરવાડામાં રહેતા સાદીક અલી અબ્બાસ અલી પઠાણની પોલીસે ધરપકડ કરી છે.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી કથિત તોડબાજ પત્રકારો અને પૂર્વ કોર્પોરેટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદને પગલે ભારે હંગામો મચ્યો છે. ખાસ કરીને ઉધના, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં પાલિકામાં અરજી કરીને ગેરકાયદે બાંધકામ તોડાવવાની ધમકી આપી લાખો રૂપિયાનો તોડ કરનારી ટોળકીઓ વિરુદ્ધ પોલીસે અભિયાન સ્વરૂપે કાર્યવાહી હાથ ધરી છે.

ગુરુવારે સલાબતપુરા પોલીસની હદમાં ભાઠેના ચિમનીટેકરા ખાતે રહેતા ૩પ વર્ષીય ફારૂક શઠીયુદ્દીન શેખે આંજણાફાર્મ ખાતે એચટીસી-ર ટેકસટાઈલ માર્કેટની બાજુમાં ખુલ્લી જમીન ઉપર પતરાંના શેડ બનાવી ગોડાઉન ભાડે આપ્યા હતા. જોકે સુરત શહેર કોંગ્રેસ યુવા ઉપપ્રમુખ નુરૂ શેખે મહાપાલિકામાં આ સંદર્ભે અરજી કરીને ગોડાઉન તોડાવ્યું હતું. ત્યારબાદ ફારૂખ શેખને જો ધંધો કરવો હોય તો ૧૦ લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી.

છેલ્લાં ૧પ-ર૦ દિવસથી નુરૂ શેખની ધમકી અને જબરદસ્તી ઉઘરાણીને પગલે વેપારીએ અંતે કંટાળીને પ૦ હજાર રૂપિયામાં સોદો નકકી કર્યો હતો. બીજી તરફ વેપારી દ્વારા સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા તેને રંગેહાથ ઝડપી પાડવા છટકુ ગોઠવ્યું હતું.

ઉમરવાડા ખાતે રહેતા નુરૂ શેખ અને તેનો સાથીદાર સાદીક અલી પઠાણ પ૦ હજાર રૂપિયા લેવા માટે ફારૂક શેખ પાસે પહોંચ્યા હતા. રૂપિયા લેવા જતાં જ એલસીબી પોલીસે બંનેને ઝડપી પાડયા હતા. શહેર કોંગ્રેસ યુવા ઉપપ્રમુખ નુરૂ શેખની ધરપકડની ચર્ચા વાયુવેગે પ્રસરી જતા કોંગ્રેસી બેડામાં પણ સોંપો પડી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.