સાયબર જાગૃતિ અર્થે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી
સુરત, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સુરત ગ્રામ્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, સુરત દ્વારા સાયબર જાગૃતિ અર્થે સુરત જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સ્કૂલ એકિટવેશન પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવા અંગેનાં પરિપત્ર અનુસાર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન અત્રેની ઓલપાડમુખ્ય પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
“Think, before you click” ની થીમ પર યોજાયેલ આ સ્પર્ધાઓમાં સી.આર.સી. કક્ષાએ વિજેતા વિધાર્થીઓ તેમજ શિક્ષકોએ સહર્ષ ભાગ લીધો હતો. પ્રારંભે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌને આવકારી સ્પર્ધાનો ચિતાર રજૂ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં માધ્યમ થકી ગ્રામ્ય વિસ્તારનાં નાગરિકો સાયબર ક્રાઈમની વિવિધ મોડ્સ ઓપરેન્ડીથી માહિતગાર થાય અને તે સાથે લોકો ડિજિટલ પ્લેટફોર્મનો વધુમાં વધુ સલામત રીતે ઉપયોગ કરે અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ઓલપાડ પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઈ. હિંમતભાઈ ખાંટ તથા એલ.આર.ડી. જવાન વિશાલભાઈએ સૌ સ્પર્ધકોને માર્ગદર્શિત કરતાં જણાવ્યું હતું કે આજનાં ટેક્નોલોજીનાં યુગમાં આંગળીનાં ટેરવે બનતી ગુનાખોરી એટલે સાયબર ક્રાઇમ.
મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટનાં માધ્યમથી કાયદા-કાનૂનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસનો સાયબર ક્રાઇમ સેલ હવે અત્યાધુનિક કંટ્રોલરૂમનાં માધ્યમથી આપ સૌને મદદરૂપ થવા સુસજ્જ બન્યો છે. આ તકે તેમણે સમગ્ર જિલ્લાને સાયબર સેફ જિલ્લો બનાવવા અંગે આશા વ્યક્ત કરી હતી.
ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયેલ આ સ્પર્ધાનાં પરિણામ નીચે મુજબ ઘોષિત થયાં હતાં. વિધાર્થી વિભાગમાં ચિત્ર સ્પર્ધા- મિષા પટેલ (કુંદિયાણા), રંગોળી- અંશિકા યાદવ (અસ્નાબાદ), એક મિનિટ વિડીયો- વિકાસ દંતાણી (ઓલપાડમુખ્ય), મૂક નાટકમાં કુંદિયાણા પ્રાથમિક શાળા, યુવા એમ્બેસેટર સ્પર્ધા- કિર્તિ સાવંત (ઓલપાડમુખ્ય) જ્યારે શિક્ષક વિભાગમાં કાવ્યલેખન- જાગૃતિ પટેલ (પરીયા), રંગોળી- ચંપા આહિર (અરીયાણા),
એક મિનિટ વિડીયો- કિરીટ સુરતી (અરીયાણા), એકપાત્રિય અભિનયમાં રેખા પટેલ (કઠોદરા) પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઓલપાડ બ્રાન્ચ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક રાજેશ પટેલે કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા યજમાન શાળાનાં આચાર્યા કૈલાશ વરાછીયા તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર હર્ષદ ચૌહાણે જહેમત ઉઠાવી હતી. વિજેતા સ્પર્ધકો હવે જિલ્લા કક્ષાએ ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.