Western Times News

Gujarati News

હીરાની કંપની ૪પ કરોડમાં કાચી પડયાની વાતોથી સુરત હીરાબજારમાં ફફડાટ

અશ્વિનીકુમાર રોડ ઉપર મેન્યુફેકચરિંગ યુનિટ અને મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતી પેઢીએ સીવીડી ડાયમંડ તરફ વળી દેવાળું ફૂંકયું

સુરત, સુરતના અશ્વિનીકુમાર રોડની વર્ષો જૂની હીરા પેઢી ૪પ કરોડમાં કાચી પડી હોવાની ચર્ચાથી ખળભળાટ ફેલાયો છે. આ પેઢીમાં સુરત અને મુંબઈના હીરા વેપારીઓ, રફ સપ્લાયરોની મોટી મૂડી ફસાઈ છે. પેઢી સમયસર પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ જતાં ઉઠમણાની ચર્ચાએ જોર પકડયું છે. એક.કે. રોડ ઉપર મેન્યુફેકચરિંગ યુનિટ અને મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતી પેઢીએ સીવીડી ડાયમંડ તરફ વળી દેવાળું ફૂંકયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી ઉદ્દભવેલી વિસમ પરિસ્થિતિ વચ્ચે સુરત હીરા ઉદ્યોગની ૧૦ વર્ષ જૂની હીરા પેઢીના સંચાલકોએ લગભગ રૂપિયા ૪પ કરોડમાં ઉઠમણું કરી નાંખ્યાના અહેવાલો હીરા બજારમાં ફેલાતા સુરત સહિત મુંબઈ હીરા બજારમાં પણ ખળભળાટ મચી ગયો છે. કથિત રીતે ઉઠમણું કરનાર આ હીરા કંપની શરૂઆતમાં નેચરલ પોલીશ્ડ ડાયમંડ, કલર પોલીશ્ડ ડાયમંડનું પ્રોડકશન-વેચાણ કરતી હતી.

બાદમાં સીવીડી ડાયમંડનો પણ વેપાર કરતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કૃત્રિમ હીરાનો વેપાર વધ્યા પછી કુદરતી એટલે કે નેચરલ ડાયમંડનો વેપાર સાવ તળિયે બેઠો છે. મોટી ડાયમંડ કંપનીઓના પણ હાલ નાદુરસ્ત થવા માંડયા છે. નાના અને મધ્યમ હરોળના કારખાનાઓ સપ્તાહમાં ૩ દિવસની રજા રાખવામાં આવી રહી છે. રત્નકારોના વેતનમાં ર૦થી ૩૦ ટકા કાપ મૂકી મોટી કંપનીઓ ટકી રહી છે.

સુરત, મુંબઈ હીરા ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં ૧૦ વર્ષ અગાઉ અશ્વિનીકુમાર રોડ પર ત્રણ ભાગીદારો દ્વારા ફેકટરીની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતના સમયમાં કંપની દ્વારા નેચરલ પોલીશ્ડ ડાયમંડ સહિત કલર ડાયમંડનું પ્રોડકશન કરી વેચાણ કરવામાં આવતું હતું. એ પછી દેશ દુનિયામાં સીવીડી ડાયમંડની ડિમાન્ડ નીકળતા આ કંપની મોટાભાગે સીવીડીના વેપાર તરફ વળી હતી.

મોંઘી રફ અને મોંઘી મશીનરી ખરીદ કર્યા પછી સીવીડી લેબગ્રોન હીરાનો વેપાર તૂટી જતાં કંપની ભીંસમાં મૂકાઈ હતી. નેચરલ ડાયમંડ ક્રેડિટ લઈ વેચાણ કરી સીવીડીમાં રોકાણ કરવા જતાં કંપની આર્થિક સંકટમાં આવી છે.

કંપનીના માલિકો વિદેશ ભાગી છૂટયા સુરત તથા મુંબઈમાં હીરાના વેપારીઓ પાસેથી ૪પ કરોડ રૂપિયાનો માલ લીધા બાદ ચૂકવાણાના સમયે હીરા પેઢીના સંચાલકો દ્વારા હાથ ઉંચા કરી દેતા લેણદારોની ચિંતા વધી છે. આજે સુરત મુંબઈના લેણદારોનું લિસ્ટ પણ ફરતું કરવામાં આવ્યું હતું.

જો કે, મામલો હજી એસડીએ સુધી પહોંચ્યો નથી. ચર્ચા એવી ચાલે છે કે, ડાયમંડ પેઢીના માલિકો લેણદારોના ત્રાસથી વિદેશ ભાગી છૂટયા છે. તેઓ હાલ અમેરિકા હોવાથી સમાધાનના પ્રયાસ થઈ શકયા નથી. જે વેપારીઓએ સીવીડીનો માલ આપ્યો હતો, એમને રૂપિયાને બદલે તૈયાર માલ આપવાની તૈયારી પેઢીને જાણતા વેપારીઓ રજૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.