સુરતના પાલ ગામ સ્થિત શાળાનાં આચાર્ય પ્રકાશ પરમારનું ‘ઘર દીવડા’ તરીકે વિશિષ્ટ સન્માન
સુરત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાલ ગામની શાળા ક્રમાંક 319 માં આચાર્ય તરીકે ફરજ બજાવતા કવિ, લેખક, અભિનેતા, મૂલ્યાંકનકાર, પરામર્શક, ઉદ્દઘોષક, ભાષા તજજ્ઞ જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં પ્રકાશ પરમારનું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસે વિદ્યાકુંજ શાળા આયોજિત એક કાર્યક્રમમાં ‘ઘર દીવડા’ તરીકે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
તાલુકા કક્ષાથી માંડી રાષ્ટ્રીય કક્ષાએ લેખન, અભિનય જેવાં વિવિધ ક્ષેત્રે એવોર્ડ વિજેતા તથા ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં પુસ્તક રચનામાં આગળ પડતુ સ્થાન ધરાવતાં પ્રકાશ પરમારનું કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીનાં વરદ હસ્તે શાલ, સન્માનપત્ર અને પુસ્તક દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
સન્માન સમયે વિદ્યાકુંજ શાળાનાં સંચાલક મહેશભાઈ પટેલે શાળા ક્રમાંક 319 માં ચાલતાં લાગણીનું લંચ બોક્ષ અને માનવતાની મૂડી જેવાં પ્રોજેક્ટ ઉપરાંત પાઠ્યપુસ્તક રચનાની ભૂમિકા અને પાઠ્યપુસ્તકમાં લેવાયેલી કૃતિ આંગળાનો જાદુનો ઉલ્લેખ કરી પ્રકાશભાઈને બિરદાવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે તેમનાં દ્વારા રચાયેલ પ્રજ્ઞા ગીત રાજ્યભરની શાળાઓમાં ગુંજે છે જે સમગ્ર સુરત શહેર સહિત સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે મહેશભાઈ પટેલ લિખિત ‘તું જ તારો દીવો’ સાથે ઓએસિસનું પ્રકાશન ‘હાકલ’ નામક પ્રેરણાદાયી પુસ્તકોને ઉપસ્થિત મહાનુભવો સહિત જનમેદનીએ વધાવ્યા હતાં.