સુરતના ડોક્ટરે ઘરે બેઠાં સારવાર કરી મહિલાને નવજીવન આપ્યું
સુરત, ભારતની જેમ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસે કહેર મચાવ્યો હતો. ત્યારે કોરોના બાદ ગંભીર અને જીવલેણ બીમારી મ્યુકરમાઇકોસિસ ફેલાયું હતું. જેને લઈને પાકિસ્તાનના ડોક્ટરોએ દર્દીના બચવાની આશા છોડી દીધી હતી.
ત્યારબાદ પાકિસ્તાનથી સોશિયલ મીડિયામાંથી સુરતના આયુર્વેદિક ડોક્ટર રજનીકાંત પટેલનો સંપર્ક થયો હતો. પાકિસ્તાની ડોક્ટરે ના પાડી દીધી હતી અને છતાં સુરતના આયુર્વેદિક ડોક્ટરે ઘરે બેઠાં બેઠાં સોશિયલ મીડિયાના માધ્યમથી દર્દીની આંખો બચાવી લીધી હતી.
આયુર્વેદ ઘણી પુરાણી આરોગ્ય વ્યવસ્થા છે. તે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે સુરતના આયુર્વેદિક ડોક્ટરે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે બેઠા બેઠા પાકિસ્તાનમાં સારવાર કરી છે.
પાકિસ્તાનના ૩ કોરોના દર્દીઓને બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસની બીમારી થઈ ગઈ હતી. ત્યારે એલોપેથીની લાંબી સારવાર પછી પણ તેમને કોઈ ફેર પડ્યો નહોતો. ત્યારે તેમણે ભારતના સુરતમાં રહેતા આયુર્વેદિક ડોક્ટરનો સંપર્ક કર્યો હતો.
સુરતી આયુર્વેદિક તબીબ પાસે પાકિસ્તાનના આ ત્રણેય દર્દીઓએ ટેલિમેડિસિનની મદદથી આયુર્વેદિક સારવાર લીધા બાદ તમામની જિંદગી બચાવી દીધી છે અને આંખો પણ બચાવી લીધી છે. ભારતમાં જ નહીં પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોના મટ્યાં બાદ મ્યુકરમાઇકોસિસે કહેર મચાવ્યો હતો. અનેક લોકો તેનો ભોગ બન્યા હતા.
પાકિસ્તાનના મુલતાન સિટીમાં રહેતા ૬૧ વર્ષીય સુરૈયા બાનુ બ્લેક ફંગસના રોગમાં સપડાયા બાદ ખૂબ જ પીડાતા હતા. પાકિસ્તાનના ડોક્ટરે સુરૈયા બાનુની જિંદગી હવે બચી શકે નહીં તેવું કહી દીધું હતું. ત્યારે તેમની દીકરીએ સોશિયલ મીડિયામાંથી સુરતના આયુર્વેદિક ડોક્ટરનો સંપર્ક કર્યો હતો.
ડોકટર દ્વારા સૌપ્રથમ વખત પાકિસ્તાનમાં મળતી આયુર્વેદિક ઔષધિથી સારવાર શરૂ કરાવી હતી. કારણ કે ભારત અને પાકિસ્તાનમાં કુરિયર સેવા નથી. ત્યારબાદ વાયા કોન્ટેકટ મહિલાની દવા પાકિસ્તાન પહોંચાડવામાં આવી હતી. અત્યારે મહિલાની તબિયત સારી છે અને ૯૫ ટકા રિકવરી થઈ ગઈ છે.
ત્યારબાદ અન્ય બે જેટલા પાકિસ્તાની દર્દીઓએ પણ ડોકટરનો સંપર્ક કરી સારવાર શરૂ કરી છે. હાલ ત્રણ જેટલા પાકિસ્તાની દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને તમામની તબિયત સુધારા પર છે.