Western Times News

Gujarati News

આ કારણસર સુરતની આસપાસ જમીનોના ભાવ વધી શકે છે?

સુરત રિજીયનનો વિકાસ લંડનના વિકાસને પણ પાર કરી જશે

સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ-સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડને ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવાશેઃ મુખ્યમંત્રીની જાહેરાત

(એજન્સી) સુરત, ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનના ‘ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે આજે કરવામાં આવ્યું હતું. લોન્ચીંગ સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું રાજ્યમાં ભૂતકાળમાં વારસામાં મળેલા સીમિત સંસાધનોને અમે વિકાસના સ્રોતમાં પરિવર્તિત કર્યા છે.

ભારત સરકારે સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાને ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવાનું આગવું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ ૬ જિલ્લાઓના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ના મહત્વાકાંક્ષી ‘ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’નું સુરતથી લોન્ચીંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના છ જિલ્લાઓના ઈકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે. જેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઇ.ટી., લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારત જ્ર ૨૦૪૭ હેઠળ સરકારે ગુજરાતનું અર્થતંત્ર ૨૦૪૭ સુધીમાં ૩.૫ ટ્રિલીયન ડોલર બનાવવાનું અને ૩૪ લાખ જેટલી નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે.

નીતિ આયોગના નેજા હેઠળ સુરતે દેશનો સૌપ્રથમ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે, ત્યારે આ પ્લાન ‘વિકસિત ગુજરાત થી વિકસિત ભારત’નો લક્ષ્યાંક સિદ્ધ કરશે મુખ્યમંત્રીએ કહ્યું હતું, ૧૯૬૦ પછીના દાયકાઓ સુધી ગુજરાતના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના બેલ્ટ સુધી સીમિત રહી હતી. દરિયો, રણ, ડુંગરાઓ ધરાવતા ગુજરાતમાં એ સમયે વિકાસની કોઈ સંભાવના ન હતી.

વીજળી, પાણી, રોડ-રસ્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું કોઈ સ્થાન કે દિશા ન હતા, પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની રફતાર પકડી છે. ૨૦૦૧ થી અઢી દાયકાનો વિકાસની મૂલવીએ તો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલ અને કેટલી ગતિનો હોય એનું પ્રમાણ ગુજરાતે આપ્યું છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન વિષે વિસ્તૃત વિગતો આપતા નીતિ આયોગના સી.ઈ.ઓ. બી.વી.આર. સુબ્રમણ્યમે જણાવ્યું કે, સુરત અને આસપાસના પાંચ જિલ્લામાં આર્થિક વિકાસની આગવી તકો રહેલી છે.

સુરત આર્થિક ક્ષેત્ર પાસે સમતોલ વિકાસની પૂર્ણ ક્ષમતા અને લાયકાત છે. નીતિ આયોગ દ્વારા ગુજરાત સરકાર, સુરત સ્થાનિક પ્રશાસન સાથે મળીને ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં કેટલાક દિવસો નહીં, પરંતુ સતત એક વર્ષની મહેનત અને મંથન કરાયું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત રિજીયનનો વિકાસ લંડનના વિકાસને પણ પાર કરી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.