મધ્યપ્રદેશ, રાજસ્થાન મુખ્યમંત્રીઓ સુરત ખાતે આયોજિત જળસંચય-જનભાગીદારી- જનઆંદોલનમાં હાજર રહ્યા
સુરત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રીઓ, બિહારના ઉપમુખ્યમંત્રીશ્રી, કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જળસંચયને વ્યાપક બનાવવાની નેમ સાથે આયોજિત ‘જળસંચય-જનભાગીદારી- જનઆંદોલન:કર્મભૂમિથી જન્મભૂમિ‘ વિચારમંથન કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં જળસંચય અને જળસંરક્ષણ જેવા અભિયાન સાર્થક બન્યા છે. તેમણે જળ સંરક્ષણની સંકલ્પના સિદ્ધ કરવા માટે સરકાર અને સમાજના પરસ્પર સહકારને મહત્વનું પાસુ ગણાવ્યું હતું.
રાજ્યભરમાં જળ સંરક્ષણની અનેકવિધ પહેલ અને આયોજનની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ સરકારના બે લાખથી વધુ રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચર ઉભા કરવાના લક્ષ્યાંકને લોકભાગીદારીથી પૂર્ણ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.