Western Times News

Gujarati News

સુરતના કડોદરાની ફેક્ટરીમાંથી 14 લાખનું બનાવટી ઘી પકડાયું

ગત સપ્તાહે પકડાયેલા રૂ.૬પ લાખના બનાવટી ઘીનો રેલો કડોદરા પહોંચ્યો

(એજન્સી) સુરત, સુરતમાં પોલીસ અને પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ ઘી અને પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ત્રણ જેટલા સ્ટોરમાંથી ૬૫ લાખનું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. આ શંકાસ્પદ ઘીની તપાસનો રેલો સુરત જિલ્લાના જોળવા ગામ સુધી પહોંચી ગયો હતો.

ત્યાંથી આ ફેક્ટરીના ગોડાઉનમાંથી વધુ શંકાસ્પદ ઘીનો ૧૪ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીના ગોડાઉનમાંથી જ સીટી અને જિલ્લામાં ઘી સપ્લાય કરાતું હોવાનું અનુમાન છે.

આ સાથે જ ઘીમાં કલર અને વનસ્પતિ એસેન્સનો ઉપયોગ થતો હોવાની શંકા છે તેના પગલે સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. લેબના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.૧૪ લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો કબજે કરાયો સુરત સીટી અને જિલ્લો જાણે નકલી ચીજ વસ્તુઓનું હબ બની ગયું એવું લાગી રહયું છે. છેલ્લા ઘણાં સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં નકલી સાબુ, સફાઈ લિકવીડ સુધીની નકલી વસ્તુઓ પકડાઈ આવી છે.

ત્યારે સુરત સીટી માંથી મળેલા શંકાસ્પદ ઘીની તપાસનો રેલો ગત રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીના ગોડાઉન સુધી પહોંચ્યો હતો. પોલીસે દરોડો પાડી ૧૪ લાખથી વધુનુ શંકાસ્પદ ધીનો જથ્થો કબજે કર્યો હતો.

સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા પલસાણા તાલુકાના જોળવા ખાતે ૧૪.૪૮ લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો. જોળવા ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ખાતા નંબર ૧૩, ૧૪માં શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી પલસાણા પોલીસે લેબલ વગરના અલગ અલગ પૂઠ્ઠાના બોક્સમાં રાખેલા ડબ્બાઓ તેમજ પતરાના ડબ્બાઓમાંથી ઘી જેવું શંકાસ્પદ પ્રવાહી ભરેલું હોય તેના સેમ્પલ હ્લજીન્ ટીમને સાથે રાખી લીધા હતા.

થોડા દિવસ પહેલા ૬૫ લાખનો જથ્થો કબજે કરાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરત સિટીમાં પુણા અને સારોલી વિસ્તારમાં આવેલા ત્રણ સ્ટોરમાં પોલીસ અને પાલિકાની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં ૬૫ લાખનું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું.

સુરત પાલિકાના ફૂડ વિભાગ અને પોલીસ વિભાગે મળેલી માહિતીના આધારે પુણાના પરવટ પાટીયા નજીક આવેલા નારાયણ કોમ્પ્લેક્ષમાં તથા રાજપુરોહિત ટ્રાન્સપોર્ટ નગરમાં છાપો મારી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડયો, હતો.

અહીં શિવ શક્તિ ફુડ્‌સ એન્ડ ડેરી પ્રોડક્ટસ માલિક ઉમારામ મીઠાલાલ માલી પાસેથી હરે હરે ક્રિષ્ના પ્રીમિયમ કાઉ થી અને ગૌરી ગીર પ્રીમિયમ ક્વોલીટી કાઉ ઘી અને દેશી કાઉ ઘીના જુદી જુદી બ્રાન્ડના અલગ અલગ સાઇઝના જાર, ડબ્બા, પાઉચ મળી આશરે ૧૦૩૮૦ લીટર ઘી નો કુલ ૬૫.૧૩ લાખનો જથ્થો કબજે લઇ સિઝડ અને સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે.

ઉમારામ પોતાની જોળવાની ફેકટરીના ગોડાઉનમાં ઘી લાવી સુરતમાં સપ્લાય કરે છે. તે ખાદ્ય ઘી ની સાથે દીવા અને અગરબત્તીમાં ઉપયોગમાં લેવાતા ઘીનું છેલ્લા ૧૦ વર્ષથી ઉત્પાદન કરે છે. જયારે ખાદ્ય ઘી છેલ્લા પાંચ વર્ષથી બનાવે છે. તેની જોળવાની ફેક્ટરીમાં એક વર્ષ અગાઉ સુરત જીલ્લા પોલીસે રેડ કરી રૂ.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ગત બુધવારે ૨૯ જાન્યુઆરીના રોજ ૬૫ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.