સુરતઃ કારચાલકે નશામાં છ લોકોને અડફેટે લેતા ચકચાર
કતારગામ સ્વામિનારાયણ મંદિર પાસેના માર્ગ પર અકસ્માત સર્જ્યો
અમદાવાદ, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે જાહેરમાં વાંકીચૂંકી કાર ચલાવી ડ્રાઈવરે ગંભીર અક્સ્માત સર્જ્યો હતો. છ જેટલા લોકોને અડફેટે લીધા બાદ પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ આદરતાં કારનો ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીજીબાજુ, અડફેટે લેનાર કેટલાકને વત્તા ઓછા અંશે ઇજા પહોંચતા તેમને પણ સારવાર આપવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના કતાર ગામ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે એક કાર ચાલક ગફલત ભરી સ્થિતિમાં દારૂના નશામાં કાર(જીજે ૦૫ જેઆર ૩૮૫૨) વાંકી ચૂંકી ચલાવતો હતો. કાર ચાલકે છ જેટલા લોકોને અડફેટે લઈને ડિવાઈડર પર કાર ચડાવી દીધી હતી.
જેમાં કેટલાકને વત્તા ઓછા અંશે ઇજા પહોંચતાં તેમને સારવારની તજવીજ હાથ ધરાઇ હતી, બીજીબાજુ, અકસ્માતને પગલે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં. લોકોએ કાર ચાલકને ઝડપી લઈને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જ્યાં પોલીસ સ્ટેશને કાર ચાલકે પોતાનું નામ નશાની હાલતમાં તોતડાતી જીભે નરેશ નથુ પટેલ (રહે.૨૬, ડીએમ પાર્ક સોસાયટી ધનમોરા ચાર રસ્તા) હોવાનું જણાવ્યું હતું. તેના મોંમાથી દારૂની વાસ આવતી હતી. પોલીસે આરોપી અને કારને કબ્જામાં લઈને વધુ તપાસ હાથ ધરી હતી.