વરસાદે બ્રેક લેતાં, સુરતમાં ખાડીપુરનું પાણી ઘટયું
સફાઈ, રસ્તા રિપેરીંગ અને આરોગ્યની ટીમોને મેદાનમાં ઉતારી
સુરત, સુરતમાં વરસાદનું જોર ઘટી જતાં સુરતીઓ સાથે સાથે પાલિકા તંત્રને પણ રાહત થઈ છે. આ ઉપરાંત ખાડીપુર પણ ઓસરી રહ્યા છે. તે વિસ્તારમાં પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી હતી. પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરવા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
સુરત શહેર અને જિલ્લા દેમાર વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફલો થઈ હતી જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હજી પણ સુરતમાંથી પસાર થતી સીમાડા ખાડી ઓવર ફલો છે. પરંતુ જે વિસ્તારમાં ખાડીના પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકા કમિશનરે સફાઈના આદેશ આપ્યા છે તેથી તંત્રએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી છે.
પાલિકાના આરોગ્ય વિભાગે સફાઈની કામગીરી સાથે સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરી છે. આ ઉપરાંત જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યારે લોકોના આરોગ્યની કાળજી રહે તે માટે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
ચાર દિવસ લાગલગાટ ભારે વરસાદ પછી ગુરૂવારે સવારથી વરસાદે બ્રેક લેતાં ખાડીપુર ઓસરવા માંડયા છે. રસ્તાઓ ખુલ્યા છે. લોકોના ઘરમાં પાણી ઉતરવા માંડયા છે અને જનજીવન ફરી ધબકતું થાય તે માટેની અનુકૂળતા થવા માંડી છે.
સુરતની મધ્યમાંથી પસાર થતી કાકરા, ભેદવાડ અને ભાઠેના ખાડીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે જ્યારે મીઠી ખાડીના લેવલમાં કોઈ ઘટાડો થયો નથી. વરાછા, પુણાને સ્પર્શતી સીમાડા ખાડી હાલ પણ ઓવરફલો વહી રહી છે. સીમાડા ખાડી ઓવરફલો હોવાના કારણે સીમાડામાં વાલમ નગર સોસાયટી, સરથણા વ્રંજ ચોક, સણિયા હેમાદ, સારોલી ગામ, ભારત કેન્સર હોસ્પિટલ રોડ પર હજુ પણ પાણી ભરાયેલા છે. શહેરમાં તાણી નદી ઉપરનો કોઝવે ઓવરફલો હોવાથી વાહનવ્યવહાર માટે બંધ છે.
મેઘરાજાએ વિરામ લેતાં તંત્ર પણ રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે. સાથે જ સ્થિતિ વિકટ ન બની હોવાથી લોકોનું સ્થળાંતર પણ અટકાવી દેવામાં આવ્યું છે. સવારથી લોકો કામ ધંધે પણ નીકળી ગયા છે. ઘરવખરીના પલળી ગયેલા સામાન્ય પણ સૂકવવામાં આવી રહ્યા છે.
સીમાડા ખાડીના પાણીમાં ડૂબેલા સરથાણા પોલીસ સ્ટેશનમાંથી આજે પાણી ઓસર્યા હતા. જેના કારણે ખાડીના ગંદા એ કાદવયુક્ત પાણી વચ્ચે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પોલીસ કર્મચારીઓએ જરૂરી કાગળ સહિતની ચીજવસ્તુઓ ખુરશી પર મૂકીને કામકાજ શરૂ કર્યો હતો.
સુરતમાં વરસાદ ઓછો થતાં પાણી ઉતરવા લાગ્યા છે ત્યાં સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમ પૂરજોશમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેમજ મેડિકલ ટીમ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે મેડિકલ સર્વેલન્સ માટેની ટીમ કાર્યરત કરાઈ રહી છે. રાંદેર ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર હળપતિ વાસ, અવધપુરી સોસાયટી સહિતના વિસ્તારમાં પાણી ઉતરતા મેયર દેક્ષેશ માવાણી, ડે.મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનઈ પટેલ ઝોનના ઉચ્ચ અધિકારીઓ સાથે રાઉન્ડ ઉપર નીકળ્યા હતા અને સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.