કામરેજના શેખપુર ગામના પ્રગતિશીલ ખેડૂતને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એનાયત
સુરતઃ બુધવારઃ- સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શેખપુર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી મનોજભાઈ નારણભાઈ પટેલને તાજેતરમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આયોજીત રાજયકક્ષાના કૃષિ મહોત્સવ-૨૦૧૯ના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજ્ય કક્ષાનો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. જેમાં રૂ.૨૫,૫૦૦/- નો ચેક, પ્રસંશાપત્ર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
શ્રી મનોજભાઈ નારણભાઈ પટેલને સજીવ ખેતી અને મૂલ્યવૃધ્ધિ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સજીવ ખેતીથી ઉત્પાદિત હળદર, જામફળ અને સરગવાની ખેતી અપનાવી જાતે વેચાણ કરી સજીવ ખેતપેદાશના ચીલાચાલુ ખેતપેદાશની સરખામણીમાં વધુ બજાર ભાવ મેળવી આવકમાં વધારો કર્યો.
ખેતીની સાથે સાથે મૂલ્યવૃધ્ધિ અંતર્ગત સજીવ ખેતીથી તૈયાર કરેલ હળદરનો પાઉડર, સરગવાના પાનનો પાઉડર અને જમરૂખના પાનનો પાઉડર બનાવવા માટે ડીહાઈડ્રેશન પ્લાન્ટ શરૂ કર્યો. આમ, સજીવ ખેતીથી ઉત્પાદિત ફળો ઉપરાંત હળદરનો પાઉડર, સરગવાના પાનનો પાઉડર અને જમરૂખના પાનનો પાઉડર તૈયાર કરી પેકીંગ કરી વેચાણ કરી વધારાની આવક મેળવી. શ્રી મનોજભાઈ નારણભાઈ પટેલ દ્વારા ગુજરાત ઓર્ગેનિક પ્રોડકટ્સ સર્ટીફિકેશન એજન્સી હેઠળ સજીવ ખેતી અંગે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.