Western Times News

Gujarati News

સુરતના લિંબાયતમાં સૌથી વધુ 44 ઉમેદવાર હોવાથી 3 બેલેટ યુનિટ વપરાશે

File

પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારોઃ બીજા તબક્કામાં 1515 ઉમેદવારીપત્રો ભરાયા-65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવાર હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે. 

રાજ્યમાં મોરબી વિધાનસભા વિસ્તારમાં બે બેલેટ યુનિટ અને લિંબાયત વિધાનસભા વિસ્તારમાં ત્રણ બેલેટ યુનિટનો ઉપયોગ કરાશે

મતદાન કેન્દ્રમાં  મોબાઈલ ફોન લઈ જવા પર કડક પ્રતિબંધ-દિવ્યાંગ મતદારોને મતદાન માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ ચરણમાં 89 બેઠક માટે આગામી તા.01 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની આખરી તા.17 નવેમ્બર પછી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. તેમણે કહ્યું હતું કે દિવ્યાંગ મતદારોને મતદાન મથક ઉપર વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમને આવવા- જવા માટે નિઃશુલ્ક વાહન સુવિધા અને પોસ્ટલ બેલેટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જ્યારે દ્રષ્ટિહિન મતદારોને એક સાથીદારને સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. તેમજ શ્રવણ અને વાક નિ:શક્તતા ધરાવતા મતદારો માટે સાંકેતિક ભાષામાં મતદાન પ્રક્રિયાની સમજ આપતા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહિં, દરેક જિલ્લા મથકે સહાયતા માટે બ્રેઈલ લીપી જાણતાં તજજ્ઞોની સેવાઓ લેવામાં આવશે.

બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં પ્રથમ તબક્કાનું મતદાન તા.01 ડિસેમ્બરના રોજ યોજાશે. પ્રથમ તબક્કા માટે તા.05 નવેમ્બરથી તા.14 નવેમ્બર સુધી કુલ 1,362 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યાં હતા. તા.15 નવેમ્બરના રોજ ચકાસણીના અંતે કુલ 999 ઉમેદવારોના નામાંકનપત્ર માન્ય રહ્યા હતા. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની આખરી તા.17 નવેમ્બર પછી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

બીજા તબક્કાનું મતદાન તા.05 ડિસેમ્બરના રોજ યોજાશે. બીજા તબક્કા માટે તા.10 નવેમ્બરથી તા.17 નવેમ્બર સુધીમાં કુલ 1515 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા છે. તા.18 નવેમ્બરના રોજ ચકાસણી થશે. તા.21 નવેમ્બર સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. બીજા તબક્કામાં 93 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.

મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધઃ

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મતદાન મથકો પર અને મત ગણતરી સમયે મત ગણતરી કેન્દ્રમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ભારતના ચૂંટણી પંચે આપેલા નિર્દેશ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકૃત અધિકારી કે પોલીસ અધિકારી સિવાય કોઈપણ વ્યક્તિ મતદાન મથકની અંદર કે મતદાન મથકના 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં સેલ્યુલર ફોન-મોબાઇલ ફોન, કૉડલેસ ફોન કે વાયરલેસ સેટ લઈ જઈ શકશે નહીં. ભારતના ઇલેક્શન કમિશનના આદેશોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

મોરબીમાં બે અને લિંબાયતમાં ત્રણ બેલેટ યુનિટ

65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવાર હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે. જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. ભારતના ચૂંટણી પંચના નિયમ મુજબ 16 ઉમેદવાર હોય તો (15 ઉમેદવાર+NOTA) 01 બેલેટ યુનિટ જ્યારે 16થી 31 ઉમેદવારો સુધી 02 બેલેટ યુનિટ તેમજ 32થી 47 ઉમેદવારો સુધી 03 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે.

દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે સુગમતાઃ

ભારતના ચૂંટણી પંચે દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુલભતા અંગે ચોક્કસ નિર્દેશો જારી કર્યા છે. જેમાં મતદાનના દિવસે આવા મતદારોને મતદાન મથક ઉપર રેમ્પ, પીવાનું પાણી,

મતદાનમાં પ્રાથમિકતા, મતદાન મથક પર સહાયક, મતદાન મથક સુધી આવવા – જવા માટે નિઃશુલ્ક વાહન સુવિધા અને પોસ્ટલ બેલેટ મારફત ઘરે બેઠા મતદાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વર્ગના મતદારો પ્રત્યે ખાસ ધ્યાન કેન્દ્રિત કરી દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ વયના મતદારોને મતદાનની પ્રક્રિયામાં કોઇ અડચણ ન આવે અને તેઓને તમામ સુવિધાઓ/સહાય સુનિશ્ચિત કરવાના હેતુથી special observer ની નિમણૂંક કરવામાં આવી છે.

શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક જિલ્લા માટે Accessible Observers ની નિમણુંક કરવામાં આવી છે. જે મતદાન કેન્દ્રોની મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરશે. આ તમામ કામગીરીના સંકલન અને દેખરેખ માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા નિયામક, સમાજ સુરક્ષાને રાજ્ય કક્ષાના નોડલ અધિકારી જાહેર કરવામાં આવી છે. તેમજ જિલ્લા કક્ષાએ પણ દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે, સ્થળાંતર કરતા શ્રમિકો માટે મતદાનના દિવસે સુવિધા મળી રહે તે હેતુથી નોડલ અધિકારીશ્રીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.

શ્રવણ અને વાક નિ:શક્તતા ધરાવતા મતદારો માટે સાંકેતિક ભાષામાં મતદાન પ્રક્રિયાની સમજ આપતા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આ મતદારોની સહાયતા માટે મતદાનના દિવસે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં સાંકેતિક ભાષાના જાણકાર સહાયકની નિયુક્તી કરાશે.

આ સાથે દ્રષ્ટિહિન મતદારોને લાઈનમાં ઊભા રહ્યા વિના મતદાન મથકોમાં પ્રવેશ માટે પ્રાધાન્ય આપવામાં આવશે. ચૂંટણી સંચાલન નિયમો,1961ના નિયમ 49-Nની જોગવાઇઓ મુજબ દ્રષ્ટિહીન મતદાર સાથે એક સાથીદારને જવાની પરવાનગી આપવામાં આવી છે. દ્રષ્ટિહિન મતદારોની સુગમતા માટે EVM ના બેલેટ યુનિટ પર બ્રેઇલ ચિહ્ન તથા દરેક મતદાન મથક ઉપર બ્રેઇલ લીપિમાં બેલેટ પેપર ઉપલબ્ધ હોય છે, તેથી મતદાનમાં સરળતા રહેશે. આ મતદારોને બ્રેઇલમાં મતદાર માર્ગદર્શિકા અને મતદાર માહિતી કાપલી તૈયાર કરી પહોંચાડવામાં આવશે.

પોસ્ટલ બેલેટઃ

વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ-19 શંકાસ્પદ અથવા પ્રભાવિત કક્ષામાં સમાવેશ મતદારોને પોસ્ટલ બેલેટથી મતદાન માટે ફોર્મ 12-ડી વિતરણ કરવામાં આવે છે. જેમાં કુલ નોંધાયેલા મતદારો 12,26,911 પૈકી 8,60,262ને ફોર્મ-12 ડી વિતરણ કરાયું છે.

ઓબ્ઝર્વર્સઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સુચારૂ સંચાલન અને દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર્સ અને પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય તેમજ, ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ રાખવા માટે પણ ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે.

શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની દેખરેખ માટે ચાર સ્પેશ્યલ ઑબ્ઝર્વર્સ; શ્રી અજય નાયક, નિવૃત આઈ.એ.એસ.ની સ્પેશ્યલ જનરલ ઑબ્ઝર્વર તરીકે, શ્રી દિપક મિશ્રા, નિવૃત આઈ.એ.એસ.ની સ્પેશ્યલ પોલીસ ઑબ્ઝર્વર તરીકે, શ્રી બી. મુરલીકુમાર નિવૃત આઈ.આર.એસ.ની સ્પેશ્યલ એક્સપેન્ડિચર ઑબ્ઝર્વર તરીકે અને ભારતના ચૂંટણી પંચના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ શ્રી અક્ષય રાઉતની સ્પેશ્યલ ઑબ્ઝર્વર (ઈન્ક્લ્યુઝન એન્ડ એક્સેસિબીલીટી) તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પ્રચાર-પ્રસાર માટે વાહન પરવાનગીઃ અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના 190 LED વાહનો, 09 ટેબ્લો, 04 પદાધિકારીઓ અને 40 સ્ટાર કેમ્પેઇનરોને વાહનના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 111 LED વાહનો, 11 ટેબ્લો અને ડી.જે. પ્રકારના 05 વાહનોને પરવાનગી આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીના 20 સ્ટાર પ્રચારકોને વાહનના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. આમ, એકંદરે 390 વાહનોને કેન્દ્રિયકૃત ધોરણે પરવાનગી આપવામાં આવી છે.

ખર્ચ દેખરેખ નિયંત્રણ: મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કૉડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.17713.55 લાખની કુલ જપ્તી કરવામાં આવી છે,

જેમાં રૂ.2241.75 લાખની રોકડ, 2.48 લાખ લિટરથી વધુ રૂ.894.72 લાખની કિંમતનો દારૂ, 818.19 કિલો જેટલું રૂ.6156.09 લાખનું ડ્રગ્સ અને રૂ.806.45 લાખની કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે રૂ.7614.54 લાખની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ રમકડાં, મોટરકાર, મોટરસાયકલ, મોબાઈલ ફોન, તમાકુ તથા પાન મસાલાનો સમાવેશ થાય છે.

આચારસંહિતાનો અમલઃ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી ઈમારતો પરથી 2,89,225 લખાણો, જાહેરાતો, પોસ્ટર્સ, બેનર્સ વગેરે દૂર કરવામાં આવ્યા છે.

c-VIGIL મોબાઈલ એપ્લિકેશન:

સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે લોન્ચ કરવામાં આવેલી c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે.

c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા કુલ 1,326 ફરિયાદો મળી છે, તે પૈકી 1,322 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

અન્ય ફરિયાદોઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે બનાવવામાં આવેલા નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ અત્યાર સુધીમાં 2,575 ફરિયાદો મળી છે. તે પૈકી 2,357 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

સામાન્ય પ્રકારની ફરિયાદો માટે નાગરિકો અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે. નાગરિકોની ફરિયાદો અને સુવિધા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા કંટ્રોલ રૂમના ફોન નંબર મારફતે અત્યાર સુધીમાં 115 ફરિયાદો મળી છે. તે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કચેરીમાં મિડિયા સેલ ઊભો કરીને ટેલિવિઝન અને સોશિયલ મિડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રચાર માધ્યમો પરથી 52 ફરિયાદો મળી છે. જે પૈકી 47 ફરિયાદનો નિકાલ થયો છે.

આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઈ-મેઈલ દ્વારા અત્યાર સુધીમાં 416 ફરિયાદો મળી છે. તે પૈકી 387 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. એમ વિવિધ પ્રકારની કુલ 4,557 ફરિયાદો મળી છે, જેમાંથી 4,291 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. બાકી રહેલી 266 ફરિયાદોનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

સંકલ્પ પત્રઃ ગુજરાત રાજ્ય એ શાળાના વિદ્યાર્થીઓ કે જે ભાવિ મતદારો પણ છે, તેઓને સાંકળી મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે માટે “સંકલ્પ પત્ર” નો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. સંકલ્પ પત્ર વિશાળ વર્ગના મતદારો/પરિવારો સુધી પહોંચવામાં ઉપયોગી છે.

સંકલ્પ પત્રને બે ભાગમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં એક ભાગમાં નૈતિક મતદાન માટેની પ્રતિજ્ઞા અને બીજા ભાગમાં ઓનલાઇન સુવિધાઓ, મતદાન મથકની સુવિધાઓ વગેરે જેવી મતદારલક્ષી વિવિધ જાણકારી આપતી વિગતો હોય છે. બીજા ભાગમાં વાલી નૈતિક મતદાન કરવાનો સંકલ્પ કરી એ પરત કરે છે.

આ સંકલ્પ પત્ર સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા છે અને વાલીની સહી કરેલી નકલો એક ટોકન તરીકે પાછી એકત્રિત કરવામાં આવે છે. આ રીતે એક કરોડ જેટલા નાગરિકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચાડવાનું લક્ષ્ય છે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ રાજ્યના મતદાતાઓને અપીલ કરતાં કહ્યું હતું કે, આપણા ઘર આંગણે ગૌરવવંતી લોકશાહીને ઉજાગર કરવાનો અવસર આવી ગયો છે. તા. 01 લી ડિસેમ્બર અને તા. 05 મી ડિસેમ્બર પૈકી આપને લાગુ પડતી તારીખે અચૂક મતદાન કરી આપના નાગરિક ધર્મનું પાલન કરવા હું તમામ મતદારોને આગ્રહપૂર્વકની વિનંતી કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.