સુરતની મિશન હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને બારીમાંથી કાઢવામાં આવ્યા બહાર

સુરતની હોસ્પિટલમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી -દર્દીઓને બેડ સહિત બહાર કાઢવામાં આવ્યા
(એજન્સી)સુરત, સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલી મેટર્સ એડવાન્ટેજ હોસ્પિટલમાં આગ હતી. જેના લીધે દર્દીઓમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગતા ૧૦ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગની ઘટનાને પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ફફડાટ ફેલાયો હતો. ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોચીને કામગીરી હાથ ધરી છે. આગ લાગવાથી જેટલા દર્દીઓ હતા તેમને બેડ સહિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ૨૦ જેટલા દર્દીઓને નીચે ઉતારીને બહાર કાઢવામાં આવ્યા હતા.
હોસ્પિટલની અંદર ૪ દર્દીઓ ફસાયા હતા. ફાયર ફાઈટરો દ્વારા દર્દીઓને બહાર કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. આ હોસ્પિટલ અગાઉ મેટાસ હોસ્પિટલના નામે ઓળખાતી હતી. ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
ડીસીપી રાકેશ બારોટે હોસ્પિટલે પહોંચીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવાની શરુઆત કરી હતી. હોસ્પિટલના સંચાલકોની સાથે અત્યારે શું પરિસ્થિતિ છે તે અંગે તેઓ માહિતી મેળવી રહ્યા છે. તેમજ આગનું શું કારણ છે. તેની તપાસ કરી રહ્યા છે.
સુરત ફાયર બ્રિગેડના ફાયર અધિકારી ક્રિષ્ના મોઢે જણાવ્યું કે, હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા સર્વર રુમ અને એક્સ રે રુમની બાજુમાં આગ લાગી હોવાનું અનુમાન છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ધૂમાડો ઘણો હતો. આગને બુઝાવવામાં તકલીફ તો પડી પરંતું અમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો છે. તેમજ પૂરતી ફાયર સેફ્ટી છે કે નહી તે માટેની તપાસ કરીશું.