સુરતથી મુંબઈના વિરાર સુધીનો 291 કિમી એક્સપ્રેસ વે ડિસેમ્બરથી થઇ શકે છે કાર્યરત
(એજન્સી)નવી દિલ્હી, દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ ડિસેમ્બરથી કાર્યરત થઇ શકે છે. આ હાઇવે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે મુસાફરીના અનુભવને નોંધપાત્ર રીતે વધારવા માટે તૈયાર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આ એક મોટી પ્રગતિ છે. ૧,૩૮૬ કિમીમાં ફેલાયેલ અને નવ તબક્કામાં વહેંચાયેલો આ વિશાળ પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થવા પર છે.
જેમાં આ વર્ષના અંત સુધીમાં આઠ તબક્કાઓ કાર્યરત થવાની ધારણા છે. હાલમાં એક્સપ્રેસ વેના બે તબક્કાઓ પહેલેથી જ કાર્યરત છે.નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે – પર ૮૦ ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં દિલ્હીથી વડોદરા સુધીના અંદાજે ૮૪૫ કિલોમીટરના ૯૬ ટકા કામનો સમાવેશ થાય છે.
બાકીનું કામ પણ સમયસર પૂર્ણ થશે.કેટલાક મહત્વપૂર્ણ વિભાગો ડિસેમ્બર સુધીમાં ખોલવાની અપેક્ષા છે જેમ કે સાપુરથી જવાહરલાલ નેહરુ બંદર (૯૫ કિમી), સુરતથી મુંબઈના વિરાર (૨૯૧ કિમી), ભરૂચથી સુરત (૩૮ કિમી), મધ્યપ્રદેશથી ગુજરાતની સરહદ (૧૪૮ કિમી), અને સવાઈ માધોપુરથી ઝાલાવાડ (૧૫૯ કિમી) આ ઉપરાંત વડોદરાથી ભરૂચ (૮૭ કિમી)નું કામ પૂર્ણ થયું છે.
પરંતુ તે હજુ જાહેર જનતા માટે ખોલવાના બાકી છે. હાલમાં કાર્યરત વિભાગોમાં દિલ્હીથી દૌસા સવાઈ માધોપુર સુધીનો ૨૯૩ કિમીનો વિભાગ અને ૨૪૫ કિમી ઝાલાવાડ-રતલામ-મધ્યપ્રદેશ/ગુજરાત સરહદ વિભાગનો સમાવેશ થાય છે. આગળ જતાં, હરિયાણાથી મુંબઈને જોડતો અંતિમ તબક્કો આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.