Western Times News

Gujarati News

સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2024-25 માટે 8718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

ચૂંટણીના વર્ષ વચ્ચે પાલિકા દ્વારા વેરામાં કોઈ વધારો નહીં, કેપિટલ કામો માટે 4121 કરોડની જોગવાઈ કરાઈ

સુરત, સુરત મહાનગર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આજે સુરત મહાનગર પાલિકાનું વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસ માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. ચાલુ વર્ષમાં રૂપિયા 4 હજાર કરોડથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રથમવાર વર્ષ 2024-25 માટે 8718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જે અત્યાર સુધીનું સૌથી મોટા કદનું બજેટ બની ગયું છે. Surat Municipal Corporation presented a draft budget of 8718 crores for the year 2024-25.

સુરત શહેર વિકાસના ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યો છે. દેશમાં સૌથી ઝડપી વિકસિત શહેરોમાં સુરત શહેરનો સમાવેશ થાય છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 4121 કરોડની જોગવાઈ આગામી વર્ષના બજેટ માટે કરવામાં આવી છે. પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે જાહેર કર્યું કે, આ વર્ષે પહેલી વખત સુરત મહાનગર પાલિકાની રેવન્યું આવક 5000 કરોડને પાર કરશે.

અંદાજ અનુસાર રેવન્યુ આવક 5025 કરોડ થશે જ્યારે રેવન્યુ ખર્ચ 4597 કરોડ પર પહોંચશે. પાલિકા કમિશનરે આ બજેટને વિકાસ લક્ષી બજેટ ગણાવ્યું હતું. આગામી દિવસોમાં સુરતના વિકાસ માટે પહેલીવાર ચાર હજાર કરોડ થી વધુની જોગવાઈ કરી છે. આગામી વર્ષ લોકસભાની ચુંટણીનું હોવાથી અંદાજ પ્રમાણે વેરામાં કોઈ પ્રકારનો વધારો જાહેર કરવામાં આવ્યો નથી.

શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજના નિર્માણ માટે 165 કરોડની જોગવાઈ બજેટમાં જાહેર કરવામાં આવી છે. પાલિકા દ્વારા કતારગામ ઝોનમાં નવું ઓડિટોરિયમ બનાવવાનું પણ આયોજન કરાયું છે. લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફીલગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ના વધે છતાં, મહાકાય પ્રોજેક્ટ માટે જરૂરી વ્યવસ્થા 475 ચોરસ કિમીના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને મનપાને ચલાવવા માટે હજારો કર્મચારીઓના મહેકમ ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેન્સ કરીને મનપા કમિશનર શાલિની અગ્રવાલ તેમજ ટીમ સુરતના અધિકારીઓએ વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટનો મુસદ્દો તેમજ વર્ષ 2023-24નું રિવાઇઝ બજેટ તૈયાર કર્યું છે.

સાયન્સ સેન્ટર ખાતે સુરત મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આજરોજ રજુ કરવામાં આવેલા સને 2024-25ના ડ્રાફ્ટ બજેટ અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વિકાસથી માંડીને સ્વચ્છતા જેવા મુદ્દે અવિરત સફળતાના શિખરો આયામ કરી રહેલા સુરત મહાનગર પાલિકા માટે આગામી વર્ષ માટે ઐતિહાસિક 8718 કરોડ રૂપિયાનું અંદાજીત બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

5025 કરોડ રૂપિયાની રેવન્યુ આવક સામે 4597 કરોડ રૂપિયાના રેવન્યુ ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કુલ રેવન્યુ આવક પૈકી સૌથી વધુ આવક નોન ટેક્ષ રેવન્યુ 30 ટકા જ્યારે યુઝર ચાર્જ પેટે 22 ટકા રકમ મેળવવામાં આવશે. જ્યારે કુલ ખર્ચ પૈકી વિકાસ કાર્યો માટે 51 ટકા રકમની જોગવાઈ તેઓ દ્વારા કરવામાં આવી છે. સતત વધી રહેલા વહીવટી અને જનરલ ખર્ચ પર કાબુ મેળવવા પર તેઓએ સૌથી વધુ ભાર મુક્યો હતો

અને જેના ભાગરૂપે જ આગામી નાણાંકીય વર્ષમાં આ દિશામાં છ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આજે રજુ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં ડ્રેનેજ – સ્ટ્રોમ ડ્રેનેજ વિભાગ માટે 769 કરોડ રૂપિયાનો સૌથી વધુ ખર્ચનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. જ્યારે હાઈડ્રોલિક માટે 568 કરોડ રૂપિયા, મહાનગર પાલિકાના આઈકોનિક પ્રોજેક્ટ એવા બરાજ અને નવા વહીવટી ભવન માટે 550 કરોડ રૂપિયા, હાઉસિંગ – ઈડબ્લ્યુએસ આવાસ માટે 454 કરોડ રૂપિયા, રોડ ડેવલપમેન્ટ માટે 433 કરોડ રૂપિયા જ્યારે ટર્શરી ટ્રીટમેન્ટ અને રીસાયકલ સેલ માટે 252 કરોડ રૂપિયાની જોગવાઈ કરામાં આવી છે. આ સિવાય ડુમસ સી- ફેટ માટે પણ આગામી નાણાંકીય વર્ષમાં 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આગામી લોકસભાની ચુંટણીને ધ્યાને રાખીને વધુ એક વખત સુરત મહાનગર પાલિકા દ્વારા કોઈપણ પ્રકારના કર – દરમાં વધારો કરવાનો ટાળવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા ગત વર્ષ કર – દરમાં સામાન્ય વધારા બાદ શાસકો દ્વારા આ નિર્ણય પરત લેવામાં આવ્યો હતો. અલબત્ત, તેઓએ પહેલી વખત ગત વર્ષના બજેટમાં મેળવવામાં આવેલ સિદ્ધિઓનું આંકલન પણ કર્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કુલ 3710 કરોડની જોગવાઈ સામે 81 ટકાના ખર્ચનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો છે. જે આજદિન સુધી સુરત મહાનગર પાલિકાના ઈતિહાસમાં સૌથી વધુ છે. આ સિવાય સુરત સિટી ઈકોનોમિક પ્લાન બનાવવાની કામગીરી સુનિશ્ચિત કરવાની દિશામાં પ્રગતિ હેઠળ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. હાલમાં સુરત મહાનગર પાલિકાના મુખ્ય વહીવટી ભવન માટે 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે

અને આગામી વર્ષમાં વધુ 100 કરોડ રૂપિયાના ખર્ચનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જ્યારે સુરતીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા ડુમસ સી-ફેઈસ ડેવલપમેન્ટ માટે પહેલા તબક્કાની કામગીરી માટે 175 કરોડ રૂપિયાના ટેન્ડરની મંજુરી આપવામાં આવ્યા બાદ હાલ કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

સુરતીઓના પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે છેલ્લા કેટલાક વર્ષોથી કાગળ પર જ દોડી રહેલા બેરેજ પ્રોજેક્ટમાં મહાનગર પાલિકા દ્વારા 45 કરોડના ખર્ચે વિવિધ સ્ટડી હાથ ધરવામાં આવ્યા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની મંજુરી મેળવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે 87 હેક્ટરમાં સાકાર થનાર બાયોડાવર્સિટી પાર્કનું કામ 55 કરોડ રૂપિયાના ખર્ચે પ્રગતિ હેઠળ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.