ગાડીમાં આવેલા ઈસમો રસ્તા પર લાશ મૂકીને ફરાર થઇ ગયા
આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા પિતા અને તેના બે પુત્રની ધરપકડ કરી છે-યુવકે સફરજન ખરીદી રૂપિયા ન આપતા હત્યા કરી નાખી
સુરત, સુરતના પુણા વિસ્તારમાંથી અજીબ હત્યાની ઘટના સામે આવી છે. પુણા વિસ્તારમાં આવેલા આઇ માતા નજીક અજાણ્યા ઈસમો બોલેરો ગાડીમાં આવી લાશને રોડ પર મૂકીને ફરાર થઇ ગયા હતા. લાશને રસ્તા પર મૂકી ફરાર થઇ જતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ત્યારે આ ઘટનાને લઈને પોલીસ કાફલો સ્થળે દોડી આવ્યો હતો.આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા પિતા અને તેના બે પુત્રની ધરપકડ કરી છે. યુવકે સફરજન ખરીદ્યા બાદ પૈસા નહીં આપી ઝઘડો કર્યો હતો. જેમાં રોષે ભરાયેલા સફરજન વેચનાર બાળકિશોરે ગ્રાહકના માથામાં ફટકો મારી દેતા તેનું મોત નીપજ્યું હતું.
સુરતના પુણા વિસ્તારમાં આવેલા આઈ માતા સર્કલ પાસે એક બોલેરો ગાડીમાં આવેલા ઈસમો રસ્તા પર લાશ મૂકીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
દરમિયાન તપાસ કરતા પોલીસે તેના માણસોને તાત્કાલિક કામે લગાડ્યા હતા. દરમિયાન બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ગણતરીના જ કલાકોમાં આરોપીને પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે. અમરોલી આવાસ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હત્યા કરનાર બાળકિશોર સહિત તેનો મોટો ભાઈ સુનિલ દેવીપૂજક અને પિતા ચંદુભાઈ દેવીપૂજકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પુણા વિસ્તારના આઈ માતા સર્કલ પાસેથી રસ્તા પર ફેંકી દેવાયેલી લાશ મળ્યા બાદ તપાસ કરતા પોલીસને જે કારણ મળ્યું તે જાણીને તે પણ ચોંકી ગઈ હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ જાણવા મળ્યું કે ચંદુભાઈ દેવીપૂજક રસ્તા પર બોલેરો ગાડીમાં ફ્રૂટનો વેપાર કરે છે.
ત્યારે ગત રાત્રિના રોજ તેમનો નાનો પુત્ર ગાડી પાસે રહી સફરજન વેચી રહ્યો હતો. દરમિયાન મૃતક યુવક મહિપાલ આહિર સફરજન લેવા આવ્યો હતો. જ્યાં મહિપાલ આહીર દ્વારા વેપારીના નાના પુત્ર સાથે સફરજનની ખરીદી કર્યા બાદ રૂપિયા ન આપી માથાકૂટ કરી હતી અને ગાળાગાળ કરી ઝઘડો કર્યો હતો. જેથી બાળ કિશોર ઉશ્કેરાઈ જઈ નજીકમાં રહેલા લાકડાનો ફટકો સફરજન ખરીદવા આવનારના માથા પર મારી દીધો હતો. જેને લઇ તે લોહીલુહાણ થઈ ગયો હતો અને મોતને ભેટ્યો હતો.
ચંદુભાઈ દેવીપૂજકના સૌથી નાના પુત્ર બાળકિશોર દ્વારા માથામાં લાકડાનો કટકો માર્યા બાદ મહિપાલ આહિર લોહીલુહાણ થઈ ગયો હતો. તેને તાત્કાલિક વેપારીના પુત્ર અને આસપાસના અન્ય યુવકો દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ લોહી વધુ નીકળતું હોવાથી અને ક્રિમિનલ કેસ હોવાથી હોસ્પિટલ દ્વારા સારવાર કરવાની ના પાડી દીધી હતી, અને તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવા કીધું હતું. જેથી બાળકિશોરે ફોન કરી તેના પિતા અને ભાઈને બોલાવ્યા હતા. જેથી તેના પિતા અને ભાઈ બોલેરો ગાડી લઈ ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા.
ઈજાગ્રસ્ત થયેલ મહિપાલ આહીરને બોલેરો કારમાં સુવડાવી સિવિલ લઈ જવા નીકળ્યા હતા. દરમિયાન તેઓ ફસાઈ જશે તેવા ડરે મહિપાલના મૃતદેહને પુણાના આઈ માતા સર્કલ નજીક મૂકીને ચાલ્યા ગયા હતા. ફ્રૂટના વેપારી દ્વારા બોલેરો કારમાંથી રસ્તા પર લાશને મૂકીને ફરાર થઈ જતા સમગ્ર ઘટના નજીકમાં લાગેલી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
આ સીસીટીવી સામે આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના જ કલાકોમાં પિતા અને બંને પુત્રોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.