સુરતમાં બે દિવસમાં ચોથી હત્યા: લોકોમાં ડરનો માહોલ
સુરત, શહેરમાં સતત હત્યાની ઘટનાઓ બની રહી છે. છેલ્લા બે દિવસમાં સુરત શહેરમાં ચોથી હત્યાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
એક પછી એક હત્યાની ઘટનાઓને પગલે લોકોમાં ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ પોલીસની કામગીરી અંગે પણ લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. ગુજરાતનું સૌથી સુરક્ષિત ગણાતા સુરત શહેરમાં હાલ ગુનાખોરી સતત વધી રહી છે.
શહેરમાં બે દિવસમાં ચાર જેટલી હત્યાની ઘટનાને પગલે લોકોમાં ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે. ગઇકાલે ડીંડોલી વિસ્તારમાં બે અને લિંબાયત વિસ્તારમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો હતો. પોલીસ દ્વારા હજુ તો એક ગુનાનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં હત્યાની બીજી ઘટનાઓ સામે આવી રહી છે.
આ દરમિયાન જ વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. હત્યાના એક પછી એક બનાવો સામે આવતા શહેરમાં કાયદો વ્યવસ્થા સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. શહેરમાં ઉધના વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.
સુરતના ઉધના ઝાંસીની રાણી પાસે બે યુવકો પર સરાજાહેર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની આ ઘટના જાહેરમાં બનતા અહીં અફરાતફરી મચી જવા પામી હતી. બંને યુવકો પર ચારથી પાંચ જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે સરાજાહેર હુમલો કર્યો હતો.
બંને યુવકો પર જીવલેણ હુમલો કરી હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. બીજી તરફ, ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે ૧૦૮માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં પઠાણ સાકીર ફારૂક ખાન નામના યુવકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. હુમલાખોરો જાહેરમાં હુમલો કરીને રેમ્બો ચાકુ સહિતના તીક્ષ્ણ હથિયારો પણ ઘટના સ્થળે ફેંકીને નાસી છૂટ્યા હતા, ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.
આ ઘટના પાછળ છોકરીને લઈ અદાવત ચાલી રહી હોય તેવી પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે. છોકરીને લઈ બે યુવકો વચ્ચે ચાલી રહેલી તકરાર હત્યા સુધી પરિણામી છે. હત્યાની ઘટનાઓને લઇને શહેરમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.