સુરત, છોટા ઉદેપુર અને નર્મદામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને ડાંગમાં પણ યલો એલર્ટ
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ફરી એકવાર છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ભારતીય હવામાન વિભાગે સુરત, છોટા ઉદેપુર અને નર્મદામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને ડાંગમાં યલો અને અમદાવાદ સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
આ ઉપરાંત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કોંકણ, ગોવા, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન મંગળવારે સૌથી વધુ ૬ ઇંચ વરસાદ ભરૂચના વાલિયામાં ખાબક્યો હતો, જ્યારે છેલ્લા ૧૮ કલાકમાં આ આંકડો ૧૮ ઇંચે પહોંચી ચૂક્યો છે.
ગુજરાતમાં મંગળવારના રોજ ૧૯૮ તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં ૩ તાલુકામાં ૧૦૦ મિ.મી. કરતાં વધુ, ૧૫ તાલુકામાં ૫૦ મિ.મી. કરતાં વધુ જ્યારે ૧૭૯ તાલુકામાં ૫૦ મિ.મી. કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આ પૈકી વાલિયામાં ૬ ઇંચ, નેત્રંગમાં ૫ ઇંચ, વલસાડ અને ઉમરપાડામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, નર્મદા અને છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને અમદાવાદ સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે. તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી ૧૧મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતી રહેશે.
છ સપ્ટેમ્બરથી ૧૧મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પંચમહાલ સહિતના કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.