Western Times News

Gujarati News

રાજ્યની સૌથી ઊંચી કલેકટર કચેરીનું કામ શરૂ જ થયું નથીઃ ઓક્ટોબર 2022માં ખાતમુહૂર્ત થયું હતું

સુરતમાં કલેકટર કચેરીનું કામ ઘોંચમાં પડયુંઃ સરકારી બાબુઓએ જ ડિઝાઈનનાં વાંકે ધક્કે ચઢાવતા કામ ટલ્લે ચઢયું

સુરત, સુરત શહેર અને જિલ્લા મહેસૂલી સેવાઓનું આદાન-પ્રદાન કરતી વડી કચેરી સમાન કલેકટર ઓફિસને હવે હાઈટેક કે કોર્પોરેટ લુક આપવાના પ્રયાસો ઉપર માર્ગ-મકાન વિભાગે પાણી ફેરવી દીધું છે. બહારના ખાનગી આર્કીટેકટની ડિઝાઈન મંજૂરી નહીં કરતા હવે સરકારી તંત્રની ડિઝાઈન મંજૂર નહીં કરતા હવે સરકારી તંત્રની ડિઝાઈન મુજબ બોકસ ટાઈપ ઓછા માળની નવી કચેરી બનાવવી પડશે.

સુરત શહેર અને જિલ્લામાં વિતેલા કેટલાક સમયથી કલેકટર કચેરીને કાયમી મૂકામ નથી મળતું. વર્ષો પહેલાં અઠવાલાઈન્સમાં બનેલી કલેકટર કચેરી બિસ્માર હાલતમાં પણ ત્યાં જ ધમધમતી હતી. ભીડભાડ ભરેલા આ વિસ્તારની કલેકટર કચેરીને લઈને લાંબા સમયથી લોકો હેરાન પરેશાન હતા. નાનપુરાની બહુમાળી કચેરી પરિસરમાં આવેલી કલેકટર કચેરી ભારે જહેમત બાદ અઠવાલાઈન્સ ખાતે સને-ર૦૧રમાં શિફટ થઈ હતી.

આ કચેરી પણ ભાડા ઉપર હતી. કરોડો રૂપિયાની જમીનોના ટાઈટલ આપી લોકોને પોતાના હકો અપાવતી આ કચેરીને પોતિકા ભવનની જરૂર હતી. જે તત્કાલિન કલેકટર ડૉ.ધવલ પટેલના સમયમાં શકય બને તેવા સોનેરી સંકેતો સાંપડયા હતા. તત્કાલિન કલેકટરે વસરામ ભરવાડ પાસે આ જમીનનો રાતોરાત કબજો લઈ આ દસ હજાર ચોરસમીટર જમીન નવી કલેકટર કચેરી માટે સંપાદિત કરી નાંખી હતી.

લાંબા સમયના અંતરાળ બાદ જિલ્લા કલેક્ટર આયુષ ઓકની કામગીરી અંતર્ગત સુરતમાં રૂપિયા 30 કરોડના ખર્ચે રાજ્યની સૌથી ઊંચી સુરત જિલ્લા કલેક્ટર કચેરી બનાવવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત રાજ્યના રાજ્યકક્ષાના મહેસુલ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઓક્ટોબર 2022માં ક૨વામાં આવ્યું હતું.

આ દરખાસ્તને સરકારે પણ મ્હોર મારી હતી અને વરસોવસ બાદ સુરતની નવી કલેકટર કચેરીનું સપનું સાકાર થાય તેવા આશાના કિરણો દેખાયા હતા. આ માટે તત્કાલિન કલેકટર ડૉ.ધવલ પટેલના અનુગામી તરીકે આવેલા આયુષ ઓકે (IAS Ayush Oak) સતત પ્રયાસો કરી ડબલ બેઝમેન્ટ સહિત હાઈટેક ડિઝાઈન સાથેની મલ્ટીસ્ટોરીડ ઓફિસ બિલ્ડીંગની ડિઝાઈન માટે મહેનત કરી હતી.

તે વખતે માર્ગ-મકાન વિભાગે ડબલ લેયર બેઝમેન્ટને મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. લાંબા સમય સુધી આરએનડી વિભાગમાં આ ફાઈલ પડી રહી હતી. જેમ તેમ આયુષ ઓકે ડબલ બેઝમેન્ટ માટે આરએનડીએ સમજાવી મ્હોર મરાવી લાવ્યા હતા. આ વાતને પણ બે વર્ષ પૂરા થયા.

આ નવી કલેકટર કચેરીનું ખાતમુર્હૂત રાજ્યના મહેસૂલ મંત્રી સને-ર૦રરના ઓકટોબર મહિનામાં કરી ગયેલા. ત્યારપછી પણ આ કચેરીના કામમાં એકપણ ઈંટ મૂકાઈ નથી. આ અંગે તપાસ કરતાં માલૂમ પડયું હતું કે હવે માર્ગ-મકાન વિભાગે પ્રાઈવેટ આર્કીટેકટ સામે વાંધો ઉઠાવ્યો છે. માર્ગ-મકાન વિભાગે પ્રાઈવેટ આર્કિટેકટ પાસે તૈયાર કરાવેલી મોર્ડન ડિઝાઈન ફગાવી દીધી છે. એટલે હવે સરકારી બોકસ ડિઝાઈનવાળી બિલ્ડીંગ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  સુરત કલેક્ટરની ફરજ દરમિયાન જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવતા સરકારી બાબુઓમાં ખળભળાટ મચી ગયો છે. ડુમસ જમીનકાંડમાં IAS અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2000 કરોડની જમીન કોભાંડ મામલે વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે.  ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણતીયાનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે.

સુરતના ડુમસમાં 2,000 કરોડ રૂપિયાની 2,17,216 ચો.મી. સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવી દેવાના કૌભાંડનો પદ્રાફાશ થયો હતો. જેમાં કલેક્ટર આયુષ ઓકનું નામ ઉછળીને સામે આવતા તેમની બદલી કરી નાંખવામાં આવી હતી. તેમણે જોકે બદલી પહેલા કેટલાક વિવાદાસ્પદ ઓર્ડરો પર સહી કરી દીધી હતી. જેમાં સરકારી જમીન બિલ્ડરોને બારોબાર પધરાવી દેવાના કૌભાંડનો પણ સમાવેશ થતો હતો.

ડુમસની જમીન બિલ્ડરોને પધરાવી દેવાના કાવતરાનમાં સરકારે તાત્કાલિક ધોરણે મહેસૂલ સચિવ પાસેતી મનાઈ હુકમ મેળવી લીધો હતો,. સરકારી જમીન ગણોતીયાને પધરાવવાના આયુષ ઓકના નિર્ણય પાછળ ભાજપનું કોઈ મોટુ રાજકીય માથુ હોવાની સુરતના મહેસૂલી વર્તુળોમાં તે સમ.યે જોરદાર ચર્ચા ચાલી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.