સુરત પોલીસે મોટા અવાજથી બાઈક ચલાવતા નબીરાઓની બાઈકો જપ્ત કરી
૩ હજારથી વધુ મોંઘીદાટ બાઈક જપ્ત કરવામાં આવી છે, જેમાં સાયલેન્સર મોડીફાઈડ કરીને મોટા અવાજથી બાઈક ચલાવાતી હતી
સુરત, રફ્તારની શોખીન એવા નબીરાઓ દિવસ-રાત જોયા વગર કાન ફાડી નાંખે તેવા અવાજથી બાઈક લઈને નીકળી પડે છે. મેગા શહેરોના રસ્તાઓ પરથી પસાર થતી આવી બાઈકને કારણે અનેક નાગરિકોને તકલીફ પડી છે. ત્યારે આ મામલે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા પોલીસ બાદ હવે સુરત પોલીસે સપાટો બોલાવ્યો છે.
સુરતમાં ૩ હજારથી વધુ મોંઘીદાટ બાઈક જપ્ત કરવામાં આવી છે, જેમાં સાયલેન્સર મોડીફાઈડ કરીને મોટા અવાજથી બાઈક ચલાવાતી હતી. બુલેટ રાજાઓ ઉપર ગુજરાત પોલીસે તવાઈ બોલાવી છે. બુલેટનું સાઇલેન્સર મોડીફાઈ કર્યું હોય તો ચેતી જજો. નહિ તો લેવાના દેવા થશે. આ મામલે ગુજરાતના વિવિધ શહેરોની પોલીસ એક્શન મોડમાં આવી છે.
ત્યારે ગઈકાલે સુરત શહેર પોલીસ કમિશનરે મોટાપાયે એક્શન લીધુ હતું. ડીસીપી ઝોન-૪ પોલીસની ટીમે બાઈક લઈને રખડતાં નબીરા પર મોટી કાર્યવાહી કરી છે. પોલિસે મોડીફાઈડ કરેલી ૩ હજારથી વધુ મોંઘી બાઇક જપ્ત કરી છે. કુલ ૧૭,૬૦,૨૦૦ રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી છે. પોલીસે એવી બાઈક જપ્ત કરી છે,
જેમાં સાઇલેન્સર મોડીફાઈડ કરી નબીરાઓ ધ્વનિ પ્રદૂષણ કરતા હતા. પોલીસે તમામ બાઈક પરથી મોડીફાઈડ કરાયેલા સાયલેન્સરને હટાવી લેવાયા છે. લોકોના જીવને જોખમમાં મૂકી નબીરાઓ બાઈક પર સ્ટંટ કરતા હોય છે. તેથી સુરતના ઝોન-૪ નાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પોલીસે મોંઘીદાટ બાઈક જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે તેવું ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ.