સુરતની દુષ્કર્મ પિડિત ૧૩ વર્ષની કિશોરીનો કોર્ટની મંજૂરી બાદ ગર્ભપાત કરાવાયો

સુરત, સુરતમાં માત્ર ૧૩ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરાતા ગર્ભ રહી ગયો હતો. કિશોરીના જીવનું જોખમ ઉભું થાય તેમ હોવાથી ગર્ભ દૂર કરાવવાનો કાનૂની મુદ્દો ઉપસ્થિત થયો હતો. કોર્ટે ગર્ભપાત કરાવવાનો હુકમ કર્યાે છે. સુરત પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે આ કિસ્સાની હકીકત એવી છે કે, સુરતમાં રહેતી ૧૩ વર્ષની કિશોરીને દુખાવો થયા બાદ તેને પરિવારના સભ્યો હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પિટલમાં ડોક્ટરે તપાસ કરતા તેને ૩ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું, આ જાણી પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા. કિશોરીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ૨૧ વર્ષના રાઘવેન્દ્રે કિશોરીને કારમાં અવાવરૂ જગ્યા પર લઈ જઇ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને એના જ કારણે તે ગર્ભવતી થઈ હતી.
સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ડ્રાઇવર રાઘવેન્દ્ર સિંહને પકડવા મધ્યપ્રદેશ તેના વતન તરફ ગઈ હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કરેલા કૂકર્મની કબૂલાત કરી લીધી હતી. કોર્ટ દ્વારા કિશોરીની ઉંમર, તેને પડતી તમામ તકલીફો અને પરિસ્થિતિના આધારે તેના ગર્ભનો ગર્ભપાત કરાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
ગુરુવારે સ્મિમેર હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો અને જે ભ્રણ હતું એનું ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું છે. આ ડીએનએનો ટેસ્ટ આરોપી યુવકના ડીએનએ સાથે કરાવવામાં આવશે.
ડીએનએ આધારે પુરાવો એકત્ર કરી તેને કડક સજા અપાવવામાં મદદરૂપ થશે, તેવું પોલીસનું કહેવું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે વર્ષમાં આજના(૨૪ એપ્રિલ, ૨૦૨૫) કેસ સહિત ૧૪ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે, જેમાં ૧૧ સગીરાનો સમાવેશ થાય છે.SS1MS