Western Times News

Gujarati News

સુરતના સારોલીમાં બીજે દિવસે પણ ટ્રાફિક જામઃ મેટ્રો બ્રિજનો સ્પાન ઉતારવામાં બે દિવસ થશે

સુરતમાં મેટ્રો રેલના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી હોવાની ચર્ચા -પોલીસ બંદોબસ્ત સાથે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળેઃ ઠેર – ઠેર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

(પ્રતિનિધિ) સુરત, શહેરનાં સારોલી વિસ્તારમાં મંગળવારે બપોરના સુમારે મેટ્રોની કામગીરી દરમિયાન પિલ્લર પર મુકવામાં આવેલ સ્પાનનો હિસ્સો ઉંચકાઈ જતાં વહીવટી તંત્ર દોડતું થયું હતું. ઘટના અંગેનો વીડિયો વાયરલ થતાં સમગ્ર શહેરમાં પણ આ ઘટના અંગે ભારે ચર્ચાઓ ઉઠવા પામી હતી.

બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને સારોલી પોલીસ મથકના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સારોલીથી કડોદરા તરફ આવાગમનના બંને રસ્તાઓ પર હાલ તુરંત બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

સારોલી નજીક જ્યાં આ સ્પાનની ઘટના બની છે ત્યાં પહોંચવા માટે અંદાજે ત્રણ જગ્યા ઉપર બેરિકેડ મૂકીને રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે. ઘટના સ્થળથી અડધો કિલોમીટર દૂર પણ એક બેરિકેડ મૂકવામાં આવ્યું છે અને તમામ લોકોને ત્યાં જવા પર અટકાવવામાં આવી રહ્યા છે. જેના કારણે તે આસપાસમાં રહેલી માર્કેટ સહિતની સંસ્થાઓમાં જતા કામદારો અને લોકોની ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી પણ થઈ રહી છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને દિલીપ બિલ્ડકોન કંપની પાસેથી ખુલાસો માંગ્યો છે .7 દિવસમાં કંપનીને જવાબ આપવો પડશે કે સ્પાન કેવી રીતે નમી ગયો?

સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. શહેરીજનો અને વાહન ચાલકો માટે છાશવારે માથાનો દુઃખાવો સાબિત થતાં મેટ્રો રેલ કોર્પોરેશનના નિભંર તંત્રને કારણે હાલ ચોમાસામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન આજે સવારે સારોલી ખાતે મેટ્રોની બીજા ફેઈઝની કામગીરી ચાલી રહી હતી.

જેમાં એક પિલ્લર પર મુકવામાં આવેલ સ્પાન વચ્ચેથી ઉંચકાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મેટ્રો સહિત સુરત મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસના જવાનો દ્વારા પણ આખા રસ્તાને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

24 કલાક ટ્રાફિકથી ધમધમતો સારોલી – કુંભારિયા રોડ દુર્ઘટનાને પગલે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતાં હજ્જારો વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. કુંભારિયા – કડોદરા વચ્ચેનો વાહન વ્યવહાર સદંતર ઠપ્પ થઈ જતાં નાછૂટકે વાહન ચાલકોએ અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. જેને પગલે ઠેર – ઠેર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

ઈજારદારની ગંભીર બેદરકારીનું પરિણામઃ અસલમ સાયકલવાલા

સામાજીક આગેવાન અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ આ ઘટના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓના મેળાપીપણાનું વધુ એક ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, મેટ્રો રેલ કોર્પોરેશનના ઈજારદાર ભાજપ નેતાઓના ખોળે બેઠાં હોવાને કારણે બિન્ધાસ્ત છે અને જેને કારણે આ પ્રકારની ગંભીર ઘટનાઓ સર્જાવા પામી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ ઉધના ખાતે મેટ્રોની કામગીરી દરમિયાન મહાકાય ક્રેન ધરાશાયી થવા પામી હતી. આ સિવાય અત્યાર સુધી મેટ્રો રેલની કામગીરી દરમિયાન અલગ – અલગ કારણોસર ચાર જેટલાં નિર્દોષ નાગરિકો – કામદારોનાં મોત નિપજ્યાં છે તેમ છતાં જવાબદાર કોન્ટ્રાક્ટરો વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.