Western Times News

Gujarati News

લિવર આપી બહેને સાચા અર્થમાં ભાઈની રક્ષા કરી

સુરત, ભાઈની સલામતી માટે બહેને પોતાના જીવની પણ પરવા નહીં કરી હોય તેવા અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. રિલ લાઈફને ટક્કર મારે તેવો જ એક કિસ્સો સરથાણા જકાતનાકા સ્થિત શિવાંત સોસાયટીમાં રહેતા કાપડ વેપારી અલ્કેશભાઈ છગનભાઈ સુતરીયા (ઉં.વ.૩૬)ની રિયલ લાઈફમાં બન્યો છે.

આ વાત છે, સાડા ત્રણ વર્ષ પહેલાની. અલ્કેશભાઈને એક દિવસ અચાનક ડાયરીયા શરૂ થયા હતા. ત્યારબાદ પેશાબ બંધ થઈ જતા કંઈક અજુગતું બન્યું હોવાનું શંકા સાથે તબીબી તપાસ કરાવી હતી. તબીબે કરાવેલા રિપોર્ટમાં તેમને લિવરની તકલીફ હોવાનું નિદાન થયું હતું. જે તકલીફ એક વર્ષમાં એ હદે વધી ગઈ હતી કે, અલ્કેશભાઈને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

બે પુત્રીના પિતા એવા અલ્કેશભાઈને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની નોબત આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. બીજી બાજુ ઉનાળાના વેકેશનમાં પિયરમાં આવેલી અલ્કેશભાઈની ત્રણ મોટી બહેનોના કાને આ વાત પડતા પગ નીચેથી જમીન ધસી ગઈ હતી. જો કે, થોડા સમય બાદ સ્વસ્થતા કેળવી હર્ષાબેન, પુજાબેન અને ચેતનાબેને ભાઈ અલ્કેશને પોતાનું લિવર આપવા માટે જીદ પકડી હતી.

આ મુદ્દે ત્રણેય બહેનો વચ્ચે લાંબા સમય સુધી રીતસર રકઝક થઈ હતી. આખરે માસ્ટર ઈન યોગનો અભ્યાસ કરનારા ચેતનાબેને બંને મોટી બહેનોને સમજાવી તેણીને લિવર આપવા દેવા માટે રાજી કર્યા હતા. અલ્કેશભાઈના પત્ની અંકિતાબેન કહે છે, ગત એપ્રિલ મહિનામાં મુંબઈ ખાતે લિવર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આજે અલ્કેશભાઈ સંપૂર્ણ સ્વસ્થ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.