દશેરા પૂર્વે સુરત પાલિકાનું ફૂડ વિભાગ જાગ્યું, ફાફડા-જલેબીનાં ર૦ સેમ્પલ લીધાં
એકનું એક તેલ વારંવાર વાપરતા હોવાથી તેલની ગુણવત્તા ચકાસવા માટે ટી.પી.એમ. મશીનનો ઉપયોગ કરાયો
સુરત, સુરત સહિત સમગ્ર રાજયમાં દશેરાના તહેવારે ફાફડા અને જલેબી ખાઈને ઉજવાય તે પહેલાં જ પાલિકાના ફૂડ વિભાગે ફરસાણના દુકાનદારોને ત્યા સપાટો બોલાવ્યો હતો એકનું એક તેલ વાપરતા હોવાની આશંકાને પગલે ટીપીએમ (ટોટલ પોલાર મટિરિયલ) ટેસ્ટરથી દુકાનદારોને ત્યાં સ્થળ ઉપર જ તેલની ચકાસણી કરી હતી તદુપરાંત દશેરા માટે એડવાન્સમાં જ તૈયાર કરાઈ રહેલા ફાફડા અને જલેબીના જથ્થામાંથી સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા.
દશેરાએ માત્ર સુરત શહેરમાં જ કરોડો રૂપિયાના ફાફડા-જલેબીનું વેચાણ થતું હોય છે. ફરસાણના વેપારીઓ દ્વારા આ તહેવારને પગલે હલકી ગુણવત્તાના ફાફડા જલેબીનું વેચાણ ન કરવામાં આવે, તે માટે આરોગ્ય વિભાગે ગુરુવારે જ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. સવારથી જ ફૂડ સેફટી ઓફિસર્સની નવ ટીમે શહેરના તમામ ઝોન વિસ્તારોમાં ફાફડા જલેબી બનાવનારા ફરસાણના ૧૧ વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા.
તેમને ત્યાંથી ફાફડા અને જલેબી તેમજ તેની બનાવટમાં વપરાતા મટિરિયલના ર૦ જેટલા નમૂના લેવાયા હતા. ડિંડોલી ઉંધના મગદલ્લા રોડ, અડાજણ, સિંગણપોર, રાંદેર રોડ, મોટાવરાછા, પાડેસરા, લંબેહનુમાન રોડ, બમરોલી રોડ વિસ્તારની જુદી જુદી ૧૧ સંસ્થામાંથી આ સેમ્પલ લેવાયા હતા. આ સેમ્પલના રિપોર્ટ શકય તેટલા ઝડપથી મેળવી આગળની કાર્યવાહી કરીશું, તેવું ચીફ ફૂડ ઈન્સપેકટર જગદીશ સાળૂકેનું કહેવું હતું.
ફૂડ સેફટી ઓફીસર્સે મોટાભાગના વેપારીઓને ત્યાંથી ફાફડા અને જલેબીના નમૂના એકત્રિત કરવાની સાથે સાથે તેલની ગુણવત્તાની ચકાસણી કરી હતી એક જ તેલને અનેક વખત ગરમ કરીને ઉપયોગમાં લેવાય તો તેમાં પોલાર મટિરિયલ વધતું હોય છે જે સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે એટલે તેને ચકાસવા માટે તેમણે ટી.પી.એમ. મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.