Western Times News

Gujarati News

સુરતના દરેક ઘરની બહાર QR કોડની નંબર પ્લેટ લાગશે

મોબાઈલમાં આ ક્યુઆર કોડ સ્કેન કરીને વિશેષ એપના માધ્યમથી જે ઘરના ડેટા ત્યાંથી જ અપલોડ કરશે. આ રિયલ લોકેશન સાથે અને રિયલ ટાઈમ ડેટા સુરત પાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં સ્ટોર થશે

સુરત મહાનગર પાલિકા દરેક ઘરને QR કોડ આપી ડેટા મેળવશે-પ્રત્યેક ઘરના અને તેના સભ્યોનો રિયાલિસ્ટિક ડેટા મેળવવાનો નવો પ્રયાસ કરશે

સુરત, સતત નવું કરવા માટે પ્રયત્નશીલ સુરત મહાનગરપાલિકા હવે શહેરના વહીવટમાં ક્યુઆર કોડનો ઉપયોગ કરશે. તમામ મકાનોનો તેના યુનિક ક્યુઆર કોડ અપાશે. પાલિકાનો ફિલ્ડ સ્ટાફ શહેરના તમામ મકાનો અને તેમાં વસવાટ કરતાં લોકોના આરોગ્યથી માંડીને શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓની વાસ્તવિક અને રિયલ ટાઈમ વિગતો આ કોડના માધ્યમથી એકત્ર કરશે.

બુધવારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલે પાલિકાનું ડ્રાફટ બજેટ જાહેર કર્યું હતું. બજેટમાં આંખે ઉડીને વળગે તેવી જોગવાઈ દરેક ઘરને ક્યુઆરકોડ સાથે જોડવાની હતી. મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે આ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધી પાલિકા આરોગ્ય અને આકારણી જેવા વિભાગોમાં ફિલ્ડ સ્ટાફ મારફતે રેગ્યુલર વિગતો મેળવે તો છે જ. આરોગ્ય વિભાગનો ફિલ્ડ સ્ટાફ દર ર૦ દિવસે પ્રત્યેક ઘરનો હેલ્થનો ડેટા મેળવે છે.

આકારણી વિભાગ દર ચાર વર્ષે દરેક મકાનનો રિવિઝનનો ડેટા લે છે. જો કે, આ વિગતો મેન્યુઅલ હોય છે અને ઘણી વખત તેમાં ફિલ્ડ સ્ટાફની ફિલ્ડમાં નહીં જવાની આળસ કે ગેરરીતિને કારણે તેમાં ભૂલ રહેવાની શક્યતા રહે છે તેના કારણે જે વિગતો નિર્ણય લેવાના સ્તર સુધી પહોંચે છે

તેમાં ખામી હોવાને કારણે નિર્ણયની અસરકારકત ઘટે છે. એટલે આવું નહીં થાય, વાસ્તવિક વિગતો મળી શકે અને રિયલ ટાઈમ ડેટાના આધારે લોકોને અપાતી સુવિધાઓમાં સુધારો થઈ શકે તે માટે એક આધુનિક વ્યવસ્થાને અપનાવવા જઈ રહ્યા છીએ.

દરેક ઘર ઉપર આવા ક્યુઆર કોડની પ્લેટ લાગશે. પાલિકાનો ફિલ્ડ કર્મચારી તેની પાસેના મોબાઈલમાં આ ક્યુઆર કોડ સ્કેન કરીને વિશેષ એપના માધ્યમથી જે ઘરના ડેટા ત્યાંથી જ અપલોડ કરશે. આ રિયલ લોકેશન સાથે અને રિયલ ટાઈમ ડેટા સુરત પાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં સ્ટોર થશે અને ત્યાં તેનું એનાલિસિસ કરીને પછી કોઈપણ નિર્ણય માટેનો આધાર બનશે.

આ રીતે આજ ક્યુઆર કોડના માધ્યમથી પાલિકાની આકારણીની વ્યવસ્થા, પાણી, ડ્રેનેજ, સફાઈ, સ્ટ્રીટ લાઈટ જેવી તમામ સર્વિસીસને લિંક કરીને તેના ડેટા મેળવી સુરત મહાપાલિકાના વહીવટને વધુ અસરકારક અને લોકાભિમુખ બનાવાશે તેવું તેમનું કહેવું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.