પામોલિન ઓઈલ અને વેજિટેબલ ઘીમાંથી બનાવટી ઘી બનાવી સુમુલના નામે પેક કરી સપ્લાય કરતા ઝડપાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/desi-ghee-1.jpg)
પ્રતિકાત્મક
સુરતમાં સુમુલના નામે બનાવટી ઘી બનાવવાનું કારખાનું પકડાયું
સુરત, સુરતના કામરેજમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પોલીસે કઠોરદામમાં આવેલી માનસરોવર રેસિડેન્સીમાં દરોડો પાડયો હતો. સુમુલ ડેરી જેવા જ આબેહૂબ પેકિંગમાં નકલી ઘી બનાવી સપ્લાય કરાતું હતું. કામરેજ પોલીસે ૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એકની ધરપકડ કરી ૪ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
સુરતમાં કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલી માનસરોવર બિલ્ડીંગમાં દરોડો પાડયો હતો. ત્યાંથી પોલીસે પ્રવિણ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડયો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ડુપ્લીકેટ સુમુલ ઘીના એક લીટરવાળા કુલ ૧૦૮ ડબ્બા તથા પતરાના ખાલી ૮ ડબ્બા, ડબ્બાને સીલ મારવાનું મશીન, ૧પ લીટરવાળા પતરાના ડબ્બા, ર૦ લીટરવાળુ એલ્યુમિનિયમનું તપેલું,
એક સગડી તથા એક ગેસની બોટલ અને ઘી પેક કરવાના બોકસ સહિતનો સામાન મળી કુલ ૧.૦પ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ડુપ્લીકેટ સુમુલ ઘી બનાવવા તેમજ પેકિંગ માટેનું મટીરિયલ મોકલનાર સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, નિલેશ મગનભાઈ સાવલિયા, પરેશ મગનભાઈ સાવલિયા
અને ડુપ્લીકેટ સુમુલ ઘી ખરીનાર વિશાલ સતીષકુમાર શાહને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કામરેજ પોલીસ મથકના પીઆઈ એ.ડી.ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં છેલ્લા ૧પ દિવસથી તે આ કામગીરી કરતો હોવાનું કબૂલ કર્યું છે. જો કે, આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.