ફૉરેન્સિક નિષ્ણાત પ્રમાણે થાઈલેન્ડની યુવતીની હત્યા થઈ
સુરત, શહેરમાં રવિવારે વનિતા બુસોર્ન નામની થાઈ યુવતીનો સળગી ગયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહ મામલે અલગ અલગ થીયરી રજૂ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોત થયાનો ગુનો નોંધ્યો છે. પોલીસની કહેવું છે કે શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી.
જ્યારે આ મામલે ફૉરેન્સિક નિષ્ણાતોનું કહેવું છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે તપાસનો રેલો તાપી જિલ્લાના અંકુર નામાના એક યુવક સુધી પહોંચ્યો છે. અંકુર વનિતાનો બોયફ્રેન્ડ હોવાની માહિતી મળી છે. આ મામલે તપાસ માટે પોલીસે ડીસીપીના વડપણ હેઠળ સીટની પણ રચના કરી છે.
પોલીસે યુવતીના મોતનો કેસ ઉકેલવા માટે સોમવારે પોલીસે કવાયત શરૂ કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારી, એફએસએલ, નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ફોરેન્સિક નિષ્ણાત, ડીજીવીસીએલના અધિકારની મદદથી સોમવારે ચારથી પાંચ કલાક સુધી ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી હતી.