સુરત ખાતે UCC સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી

સમિતિએ રાજ્યમાં UCC કાયદા અંગે સુરત જિલ્લાના વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓના સૂચનો-મંતવ્યો મેળવ્યા
યુનિફોર્મ સિવિલ કોડ કોઈ ધર્મ કે સંપ્રદાયના રીતિ-રિવાજને સ્પર્શતો નથી: સમિતિના ચેરપર્સનશ્રી રંજના દેસાઈ
નાગરિકો સમાન નાગરિક ધારા અંગે પોતાના મંતવ્યો (https://uccgujarat.in) પોર્ટલ પર તથા પત્ર મારફતે મુક્તમને તા. ૧૫ એપ્રિલ સુધી જણાવી શકે છેઃ સમિતિના સભ્યશ્રી સી.એલ.મીના
રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરતા પહેલા લોકોના મંતવ્યો અને સલાહ, સૂચન જાણવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રીમતી રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષસ્થાને રચાયેલી રાજ્યની યુનિફોર્મ સિવિલ કોડની કમિટી આજે સુરત ખાતે આવી પહોંચી હતી. ગુજરાતમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે બનેલી
આ કમિટીના ચેરપર્સનશ્રી રંજના દેસાઈ અને કમિટીના સભ્યોએ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક અગ્રણીઓ, વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કોલેજના આચાર્યો, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ, કાયદા નિષ્ણાંતો અને સામાજિક કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને તેમના અભિપ્રાયો, મંતવ્યો અને સૂચનો રૂબરૂ મેળવ્યાં હતાં.
સમાન નાગરિક સંહિતા અંગે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિના સભ્ય અને નિવૃત્ત IAS શ્રી સી.એલ.મીનાએ બેઠકમાં સૌને આવકારી જણાવ્યું કે, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમિતિમાં સિનિયર એડવાઈઝર તરીકે નિવૃત્ત આઈ.એ.એસ. શત્રુઘ્ન સિંઘ, વરિષ્ઠ એડવોકેટ શ્રી આર.સી. કોંડેકર, વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડૉ.દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફની નિયુક્તિ કરાઈ છે. આ સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુ.સી.સી. કાયદા અંગે પ્રબુદ્ધ નાગરિકોના અભિપ્રાયો મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં આજે સુરત સાથે ગુજરાતના કુલ ૩૩ જિલ્લામાં રૂબરૂ જઈ મંતવ્યો મેળવ્યા છે.
નાગરિકોને અનુરોધ કરતા શ્રી મીનાએ વધુમાં જણાવ્યું કે, તા. ૧૫ એપ્રિલ-૨૦૨૫ સુધી યુસીસી અંગે નાગરિકો તેમના અભિપ્રાયો પોર્ટલ પર મોકલી શકે છે. આ મહત્વપૂર્ણ વિષય પર મૂલ્યાંકન માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન- સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો વગેરેને પણ ૧૫ એપ્રિલ-૨૦૨૫ સુધીમાં ઈમેલ, વેબપોર્ટલ (https://uccgujarat.in) કે સિવિલ કોડ સમિતિ, ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.-૧, વિભાગ-એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૦૧૦ ના સરનામે પોતાના મંતવ્યો, સૂચનો ટપાલથી આપવા માટે અપીલ કરી હતી.
કમિટીના ચેરપર્સનશ્રી રંજના દેસાઈએ જણાવ્યું કે, કોમન સિવિલ કોડ માટે સુરત જિલ્લામાંથી તમામ ધર્મો, વર્ગોના પ્રતિનિધિઓની રજૂઆતો, મંતવ્યોને સમાન રીતે ધ્યાને લેવાશે. આ કાયદાના અમલીકરણ અંગે લોકો ગેરસમજ ન ધરાવે, ગેરમાર્ગે ન દોરાય તે જરૂરી છે. UCC કોઈ ધર્મ કે સંપ્રદાયના રીતિ-રિવાજને પણ સ્પર્શતો નથી એમ જણાવી ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોને સમાન નાગરિક સંહિતાના કારણે ધર્મની સ્વતંત્રતા, લગ્ન પદ્ધતિઓ અંગેની વિવિધ ઉદ્ભવેલી ભ્રાંતિઓ સામે જરૂરી સ્પષ્ટતા કરી હતી.
સમિતિના સિનિયર એડવાઈઝર શ્રી શત્રુઘ્ન સિંઘે ઉપસ્થિત સૌને યુ.સી.સી. કાયદા વિશે વિગતવાર સમજ આપી જણાવ્યું કે, આ સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ, ધર્મ કે સમાજના ક્રિયાકાંડો- વિધિ વિધાનમાં હસ્તક્ષેપ નથી કરતી અને તેવો આશય પણ નથી. આ કાયદાને ધર્મના ચશ્માથી જોવાશે નહીં, પરંતુ સમજદારી અને તર્ક સાથે જોવામાં આવશે. આ કાયદાના ઘડતર અંગે લોકોના અભિપ્રાય- સૂચનો મેળવવા ખૂબ અગત્યના છે. તેઓએ આ કાયદા અંગે પ્રવર્તતી કેટલીક અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી પ્રબુદ્ધ નાગરિકોને પોતાના મંતવ્યો રજૂ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે મહિલા અને બાળકોના અધિકારોને વિશેષ ધ્યાનમાં લઈ યુસીસી આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું.
આ સમિતિ દ્વારા લગ્ન, છુટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રિલેશનશીપ જેવા વિષયોનો સમાવેશ કરવા બાબતે તેમજ આ અંગે સૂચનો બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓ પાસેથી મેળવ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત અગ્રણી નાગરિકોએ સમિતિ સમક્ષ તેમના મંતવ્યો- સૂચનો પણ રજૂ કર્યા હતા અને લેખિતમાં કે પત્ર દ્વારા પણ મોકલવા જણાવ્યું હતું.
બેઠકમાં (UCC)સમિતિના સર્વ સભ્યો, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, મેયર દક્ષેશભાઈ માવાણી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેષ જોઈસર, નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય રબારી, DCP વાબાંગ ઝમીર, ધારાસભ્યો, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ અગ્રણીઓ, ધાર્મિક પ્રતિનિધિઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.