Western Times News

Gujarati News

સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મળ્યો

નવી દિલ્હી, નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલી વખત ઈન્દોરની સાથે-સાથે સુરત મહાનગર પાલિકા પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે.

અલગ-અલગ કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ભગીરથ અને પરિણામલક્ષી કામગીરીને પગલે જ આ વખત સુરત મહાનગરપાલિકા દેશભરના સૌથી સ્વચ્છ શહેરોમાં અવ્વલ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ નવી દિલ્હી ખાતે ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની હાજરીમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લેનારા તમામ શહેરોના રેન્ક જાહેર કરવામાં આવ્યા હતા.

જેમાં પહેલી વખત સુરત મહાનગરપાલિકાને પણ પ્રથમ નંબર મળતાં સુરતીઓમાં પણ હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી. આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રાષ્ટ્રપિત દ્રોપદી મુર્મુના હસ્તે એવોર્ડ સહિત સર્ટિફિકેટ્‌સ સ્વીકાર્યા હતા. સુરત શહેરનો પહેલો નંબર જાહેર થતાં જ સુરત મહાનગર પાલિકાના વહીવટી તંત્ર સહિત શહેરીજનોમાં પણ ઉત્સાહનો આનંદ છવાઈ ગયો હતો.

આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સઘન પ્રયાસો અને સુરતીઓના સહયોગને કારણે સુરત આ વર્ષે પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે.

તેઓએ આ પ્રસંગે મહાનગર પાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓથી માંડીને અધિકારીઓના પણ ભગીરથ પ્રયાસોની ભરપેટ પ્રશંસા કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલો નંબર મેળવ્યા બાદ હવે સુરત મહાનગર પાલિકાના માથે પણ સાતત્યપૂર્ણ કામગીરી કરવાની જવાબદારી વધી છે. તેઓએ આ અવસરે શહેરીજનો દ્વારા મળેલા સહયોગનો પણ આભાર માન્યો હતો અને સમગ્ર શહેરીજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.