કોલસાના ભાવવધારાથી સુરતના ડાઈંગ પ્રોસેસિંગ ઉદ્યોગની ચિંતા વધી
સુરત, સુરતના કાપડ ઉદ્યોગની દિવાળી સુધરે તેવા માંડ સંકેત મળવા માંડ્યા છે, ત્યાં જ કોલસાના ભાવમાં વધારો ઝીંકાતા મોકાણ વધી છે. ૩ અઠવાડિયામાં જ કોલસાના ભાવમાં ૩૦ ટકા સુધીનો વધારો થયો છે. સામી દિવાળીએ આ ડાઈંગ પ્રોસેસર્સની મુશ્કેલીમાં વધારો થયો છે.
છેલ્લા ૮ મહિનાથી સુરતની કાપડ માર્કેટમાં મંદીનો માહોલ હતો. ખાસ કરીને વિવિધ રાજયોમાં પૂરની સ્થિતિને લીધે કાપડની ડિમાન્ડ ઘટી હતી. જન્માષ્ટમી પછી ધીમે ધીમે માર્કેટમાં તેજી આવી રહી છે. હાલ દિવાળીના ઓર્ડર પણ મળી રહ્યા છે. માર્કેટમાં ડિમાન્ડ વધી રહી હોવાથી આ વખતે દિવાળી સુધરે તેવો આનંદ કાપડ માર્કેટમાં છવાયો હતો.
ડાઈંગ અને પ્રોસેસિંગ મિલોમાં પણ કામ વધી રહ્યું છે ત્યારે છેલ્લા ૩ અઠવાડિયામાં જ કોલસાના ભાવમાં ૩૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ૧ ટન કોલસા ઉપર૧પ૦૦થી લઈને ૩પ૦૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્ય્ છે. કોઈ કારણ વગર જ કોલસાના ભાવમાં વધારો થતા ડાઈંગ પ્રોસેસિંગ યુનિટસની કમર તૂટી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સાઉથ ગુજરાત ટેકસટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ કહ્યુ ંકે, હજી માર્કેટમાં કાપડની ડિમાન્ડ વધવાની શરૂઆત થઈ છે ત્યાં ફરી ભાવ વધારો કરાયો છે.