સુરેન્દ્રનગરમાં બટુક ભોજન લીધા બાદ ૩૦ થી વધુ બાળકોની તબિયત લથડી
(એજન્સી)સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના કુંતલપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગામમાં આવેલા કાતરોડી માતાજીના મંદિરે બટુક ભોજન માટે ગયા હતાં. જ્યાંથી પરત શાળાએ ફરતા ૩૦ થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તબિયત લથડી હતી. તમામને ગામના આરોગ્ય કેન્દ્ર અને બાદમાં મુળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ બનાવને પગલે આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકોએ બટુક ભોજનમાં કઈ વસ્તુ ખાધા બાદ તેની અસર થઈ છે તે અંગે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો મુળી તાલુકાના કુંતલપુર ગામે આવેલા કાતરોડી માતાજીના મંદિરે મહાપ્રસાદ અને બટુક ભોજનનું આયોજન કરાયું હતું.
જેમાં કુંતલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતાં. જેથી શાળાના અંદાજે ૩૦ થી વધુ બાળકો પ્રસાદ લેવા પહોંચ્યા હતાં. ત્યાંથી પ્રસાદ લઈને શાળાએ પરત ફરતાં અચાનક બાળકોને ઝાડા-ઉલટી થતાં શાળાના આચાર્ય સહિત શિક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી.
આ અંગે બાળકોના માતા-પિતા સહિત ગામના સરપંચ અને આગેવાનોને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. એમ્બ્યુલન્સ મારફતે તમામ બાળકોને તુરંત સારવાર માટે કુંતલપુર આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતાં. કુંતલપુર આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામ બાળકોને મુળી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં.
મુળી સરકારી હોસ્પિટલના મુખ્ય તબીબના જણાવ્યા મુજબ, બાળકોને ભોજનમાં કોઈ વસ્તુ ખાધા બાદ તેની અસરથી ફૂડ પોઇઝનીંગ થયાનું અનુમાન સેવાઈ રહ્યું છે. તમામ બાળકોની તબિયત હાલ સારી છે. જ્યારે ગામના સરપંચ અને શાળાના આચાર્યના જણાવ્યા મુજબ ગામમાં અવાર-નવાર મંદિર તેમજ ધાર્મિક સ્થળોએ પ્રસાદ તેમજ બટુક ભોજનનું આયોજન કરવામાં આવતું હોય છે.
જેમાં શાળાના બાળકો પણ લાભ લેતા હોય છે. ત્યારે ગામમાં આવેલા મંદિર ખાતે બટુક ભોજન ખાધા બાદ બાળકોને તેની અસર થઈ છે. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યું કે, આ બનાવને પગલે આરોગ્યની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી બાળકોએ બટુક ભોજનમાં કઈ વસ્તુ ખાધા બાદ તેની અસર થઈ છે તે અંગે સેમ્પલ લેવામાં આવ્યા છે.
સેમ્પલને રિપોર્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, જિલ્લામાં એક અઠવાડિયામાં ફૂડ પોઈઝનીંગનો બીજો બનાવ સામે આવ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ બજારમાં વેચાતી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.