Western Times News

Gujarati News

મેડિકલ કોલેજમાં રેગીંગ ભારે પડ્યુંઃ સુરેન્દ્રનગરના વિદ્યાર્થીનું મોતઃ 15 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોતઃ રેગિંગનો આક્ષેપ-કેટલાક સ્ટુડન્ટે તેને ત્રણ કલાક સુધી ઉભો રખાવીને પરેશાન કર્યો હતો જેના કારણે સ્ટુન્ડ ઢળી પડ્યો હતો

(એજન્સી)પાટણ, ભારતમાં રેગિંગ વિરોધી કડક કાયદા હોવા છતાં કેટલીક સંસ્થાઓમાં તેનું પાલન નથી થતું અને સિનિયરોના ત્રાસથી જુનિયરોની હાલત ખરાબ થઈ જાય છે. શનિવારે રાતે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતા એક સ્ટુડન્ટ અનિલ મેથાણીયાનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે.

આ વિદ્યાર્થીને સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. એવું પણ જાણવા મળે છે કે કેટલાક સ્ટુડન્ટે તેને ત્રણ કલાક સુધી ઉભો રખાવીને પરેશાન કર્યો હતો જેના કારણે સ્ટુન્ડ ઢળી પડ્યો હતો.

મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો છે તેવી જાણ થતા પોલીસ કોલેજમાં દોડી આવી હતી. અનિલ મેથાણીયાનું મોત રેગિંગના કારણે થયું છે કે બીજું કોઈ કારણ છે તે પોસ્ટમોર્ટમ પછી ખબર પડશે. અનિલ મેથાણીયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. એક મહિના પહેલાં જ તે ધાનપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો.

તેના પરિવારનું કહેવું છે કે એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે અનિલને મુક્યો હતો. ગઈકાલે કોલેજમાંથી ફોન આવ્યો કે, તમારો છોકરો પડી ગયો છે અને સારવાર માટે દાખલ કર્યો છે. અનિલના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. પરિવારનું કહેવું છે કે અનિલને સતત ઉભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો હતો.

બીજી તરફ મેડિકલ કોલેજના પદાધિકારી કહે છે કે વિદ્યાર્થી હોસ્ટેલમાં બેભાન થઈને પડી ગયો હતો. તેથી તેને સારવાર માટે ખસેડાયો હતો. સારવાર કરવાના પ્રયાસો કરવા છતાં તે મૃત્યુ પામ્યો છે. સિનિયર વિદ્યાર્થીઓએ અનિલને ત્રણેક કલાક ઉભો રાખ્યો તેના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.

આ ઘટનામાં 15 સિનિયર સ્ટુડનન્ટ્સને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને આશરે સાડા ત્રણેક સતત ઉભા રાખી ગીતો ગવડાવી અને ડાન્સ કરાવી તથા ગાળો બોલી રૂમની બહાર ન જ વા દઇ માહોલની મજા લઈ માનસિક તથા શારીરીક ટોર્ચર કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો.

પોલીસે કહ્યું કે અનિલ એ એમબીબીએસ પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને સિનિયરો સાથે તેનું ઇન્ટ્રોડક્શન ચાલતું હતું ત્યારે બેહોશ થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલ્યો છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

ગુજરાતમાં તાજેતરમાં બીજી જગ્યાએ પણ રેગિંગની ઘટનાઓ બની છે. મે ૨૦૨૪માં મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના ૪ સિનિયર ડોક્ટરને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા જુનિયર ડોક્ટરને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.ત્યાર પછી તેમને સસ્પેન્ડ કરાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.